(સંવાદદાતા દ્વારા) મોસાલી, તા.રપ
માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલ ઈદગાહ પાસે મુકવામાં આવેલ ટ્રાન્સફોર્મર ગ્રામજનો માટે એક આફતરૂપ પુરવાર થયું છેે. આ ટ્રાન્સફોર્મર છેલ્લા છ માસમાં અબોલા છ જેટલા જનાવરોના ભોગ લીધા છે. જેને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઈદગાહ ખાતે આસપાસના ગામોના અનેક લોકો નમાઝ અદા કરવા માટે આવે છે. આ ટ્રાન્સફોર્મર ખસેડવા માટે રજૂઆત કરવામાં આવી તો ડી.જી.વી.સી.એલે. ટ્રાન્સફોર્મર ખસેડવા માટે ૬૦ હજાર રૂપિયાનું ક્વોટેશન મોકલી આપ્યું. આ પ્રશ્ને ગામના સરપંચ મુસ્તાકભાઈ ઝીણાંએ માંગરોળના મામલતદાર થતાં તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી આ પ્રશ્ને વધુ દુર્ઘટના થાય તે પહેલાં આ ટ્રાન્સફોર્મર ખસેડી લેવા રજૂઆત કરી છે. ગામમાં કુલ છ ટ્રાન્સફોર્મરો મુકવામાં આવેલા છે, પરંતુ દુઃખની વાત એ છે કે ડી.જી.વી.સી.એલ.ની ભૂલ કે પછી બેદરકારી જેને પગલે ગામનાં એક પણ ટ્રાન્સફોર્મરની આસપાસ ગ્રીલનું ફેનસિંગ કરવામાં આવ્યું નથી, અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ગામે ગામ ટ્રાન્સફોર્મરની આસપાસ ગ્રીલ ફીટ કરવામાં આવેલ છે, આ માટે ડી.જી.વી. સી.એલ.ની કોર્પોરેટ ઓફિસ કે પછી સબંધિત ડિવિઝન ઓફિસ ખાતેથી આ કામ માટે યાદી બનાવી ગ્રીલ ફીટ કરવાના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. ત્યારે હથોડા ગામે મુકવામાં આવેલા ટ્રાન્સફોર્મરની આસપાસ હજુ સુધી ગ્રીલ કેમ મુકાય નથી એ પણ એક તપાસનો પ્રશ્ન ઊભો થયો છે. એક જનાવર આ ટ્રાન્સફોર્મર પાસે ઘાસ ચરવા જતાં મોતને ભેટી છે. તાકીદે કોઈ મોટી જાનહાની થાય એ પેહલાં આ જોખમી ટ્રાન્સફોર્મરને ખસેડી લેવામાં આવે એવી ગ્રામજનોએ માંગ કરી છે.