(એજન્સી) તા.૧૬
રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ થવા અંગે તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસ અને શ્રી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ તેમજ મણીરામ દાસ છાવણીના મહંત નૃત્યગોપાલ દાસના શિષ્ય સંતો તેમજ સમર્થકો ગુરૂવારે પરસ્પર લડી પડ્યા. જો કે, અયોધ્યામાં સંત સમુદાયોની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં વેદાંતી પરમહંસ દાસને ટ્રસ્ટના પ્રમુખ માટે પોતાનું નામ રજૂ કરવા માટે કહી રહ્યા છે. બંને નૃત્ય ગોપાલ દાસની વિરૂદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સાંભળી શકાય છે. ઓડિયોમાં પરમહંસ દાસ કહી રહ્યા છે, “નૃત્યગોપાલ દાસનું મગજ તો ખરાબ થઈ ગયું છે ?” તેને સાંભળ્યા પછી નૃત્યગોપાલ દાસના સમર્થકોમાં ઘણા આક્રોષિત થયા. આવામાં સેંકડોની સંખ્યામાં પરમહંસ દાસના તપસ્વી છાવણી પહોંચીને ઘેરાબંદી કરી. સૂચના મળતા જ પોલીસ વિભાગમાં હોબાળો થયો હતો. એડીએમ તેમજ એસપી સીટીએ ભારે ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચી આક્રોશિત ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ માનવા માટે તૈયાર ન હતું. સખ્ત સુરક્ષામાં પરમહંસને પોલીસે બહાર નીકળ્યા અને ગાડીમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ ગયા. મામલામાં નૃત્યગોપાલ દાસના સમર્થક સંતો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, તપાસ કરાવવામાં આવશે. આ મામલામાં મહંત નૃત્યગોપાલ દાસના શિષ્ય સંત આનંદ શાસ્ત્રીનું કહેવું છે કે, તેમણે ફરિયાદ આપી કેસ દાખલ કરવાની માંગ કરી છે. સીઓએ જણાવ્યું કે, કેસની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રથમ પ્રાથમિકતા શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની છે.