(એજન્સી) તા.ર૭
ઇઝરાયેલી એમ્બેસીના ગાર્ડ દ્વારા એક કિશોરની હત્યાને પગલે રોષે ભરાયેલા જોર્ડનના નાગરિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. હજારોની સંખ્યામાં ભીની આંખે જોર્ડનના નાગરિકો આ કિશોરને શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા હતા. દરમિયાન તેમણે ઇઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર કરીને સરકારને અરજ કરી હતી કે તેઓ અમાનમાં સંચાલિત ઇઝરાયેલની એમ્બેસીને બંધ કરી દે. મંગળવારે જોરદાર વિરોધી દેખાવો દરમિયાન સ્થાનિકોએ ઇઝરાયેલનાં મોત, જોર્ડનની જમીન પર કોઇ ઇઝરાયેલી એમ્બેસી કે એમ્બેસેડર ના જોઇએ ! એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે તેમણે સાથે સાથે ૧૬ વર્ષીય મોહમ્મદ જવ્વાદાહની દફનવિધિ પણ કરી હતી. ઘણા દેખાવકારોના હાથમાં મોહમ્મદ જવ્વાદાહના ફોટા અને બેનરો પણ હતા તો ઘણાના હાથમાં જોર્ડનનો રાષ્ટ્રધ્વજ પણ હતો. લોકોએ અમાનને અરજ કરી હતી કે ૧૯૯૪માં ઇઝરાયેલ સાથે કરેલા શાંતિ કરારને પણ હવે કચરાના ડબ્બામાં નાખી દે. તેમણે કહ્યું કે ઇજિપ્ત અને જોર્ડન જ એવા દેશો છે જેમણે ઇઝરાયેલ સાથે કરારો કર્યા છે. તમને જણાવી દઇએ કે રવિવારના રોજ એક ઇઝરાયેલ ગાર્ડે જાહેરમાં ગોળીબાર કર્યો હતો જેમાં જવ્વાદાહનું મોત થયું હતું. જોકે તેણે આરોપ મૂક્યો હતો કે તે તેના પર સ્ક્રૂ ડાઇવર વડે હુમલો કરવાનો હતો. જવ્વાદાહના પિતા કહે છે કે મારો દીકરો કોઇ આતંકવાદી કે હુમલાખોર નથી. તે કોઇ રાજકીય પક્ષ સાથે પણ સંકળાયેલો નથી. જોકે આ ઘટનાને પગલે જોર્ડને અગાઉ તો ગાર્ડને દેશબહાર ન જવા તાકીદ કરી હતી.
પરંતુ ત્યારબાદ અમેરિકાના દબાણને પગલે આ ગાર્ડને ઇઝરાયેલ મોકલી દેવામાં આવ્યો હતો. ટ્રમ્પ સરકારની દરમિયાનગીરી ત્યારે જોવા મળી જ્યારે અમેરિકાના મિડલ ઇસ્ટના રાજદ્વારી જેસન ગ્રીનબેલ્ટને ઇઝરાયેલ મોકલ્યો અને ત્યારબાદ તે જોર્ડન ગયા હતા. જોકે આ દરમિયાનગીરીને પગલે ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુએ ટ્રમ્પનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમના જમાઇ જેરેડ કુશનરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જોર્ડનના કિંગ અબ્દુલ્લાહનો પણ આભાર માન્યો હતો. જોકે જોર્ડનના આ પગલા સામે જ સ્થાનિકોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો.