અમદાવાદ, તા.૮
તાજેતરમાં રાજયસભાની ચૂંટણીના દિવસે તા.૫ જુલાઈના રોજ ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધવલસિંહ ઝાલાના રાજકીય ભાવિ સામે હવે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. કોંગ્રેસ સામે નારાજગી બાદ રાજીનામાના અનેક નાટકો પછી પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ અંતે કોંગ્રેસ તો છોડી દીધી પરંતુ ભાજપમાં બન્નેના પ્રવેશ મામલે વિરોધ શરૂ થતા ભાજપમાં પણ બન્નેની એન્ટ્રી પર હાલ પૂરતી તો રોક વાગી ગઇ છે. જેના કારણે અલ્પેશ ઠાકોરની હાલત તો કફોડી બની જ છે પરંતુ તેના પગલે પગલે ચાલનારા ધવલસિંહ ઝાલાની હાલત પણ સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે. બીજીબાજુ, આ અલ્પેશ અને ધવલસિંહ તેમના જે મતવિસ્તારોમાંથી ચૂંટાઇ આવ્યા તે વિસ્તારમાં પણ તેમના વિરૂધ્ધ વિરોધનો વંટોળ અને રોષ સામે આવી રહ્યો છે. જેને લઇ હવે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. લોકસભા ચૂંટણી સમયથી કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે તેવી વાતો વહેતી થઈ હતી. જેની સામે ભાજપના ઠાકોર સમાજના સ્થાનિક અને પ્રદેશના આગેવાનોએ અલ્પેશને ભાજપમાં ન લેવા માટે પક્ષની નેતાગીરી પર દબાણ કર્યું હતું. જેને પગલે રાજીનામાના ત્રણ દિવસ બાદ પણ તેની ભાજપમાં એન્ટ્રી અટવાઇ પડી છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો ભાજપમાં જવા તૈયાર ન થતા અલ્પેશ ઠાકોરની બાજી ઉંધી પડી છે. ઘણા લાંબા સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે અને તેને મંત્રી બનાવશે તેવી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. પરંતુ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા પાછળ ભાજપની પણ સોદાબાજી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યો લઈને ભાજપમાં આવે તો જ તેને મંત્રી પદ આપવું તેવી ચર્ચાઓ ચાલી હતી. છેલ્લા બે મહિનાથી અલ્પેશ ઠાકોરે પહેલ કરીને કોંગ્રેસમાંથી રાજીનામાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ અલ્પેશની સાથે રાજીનામા આપવા માટે અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્યો તૈયાર ન થતા અલ્પેશ ઠાકોર અટવાયો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મુદ્દે ગેરલાયક ઠરવાની દહેશતને કારણે અલ્પેશે મતદાન કર્યા બાદ તુરંત જ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્યારે અલ્પેશ ઠાકોરનો ઝભ્ભો પકડીને ચાલતા ધવલસિંહ ઝાલાએ પણ અલ્પેશના માર્ગે ચાલીને રાજીનામું તો આપી દીધું પરંતુ આ બન્નેનો ભાજપ પ્રવેશનો માર્ગ મુશ્કેલ બન્યો છે. માત્ર એટલું જ નહીં જો ભાજપ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પ્રવેશ આપશે તો મંત્રીપદ તો ઠીક પણ ફરીથી વિધાનસભાની ટિકીટ મળશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ છે.