(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૬
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ પદે ચૂંટાયા ત્યારથી વિશ્વની એક મોટી ફાઇનાન્શિયલ કંપની જેપી મોર્ગનના સીઇઓ જેમિ ડાયમન વોલસ્ટ્રીટમાં એક અગ્રણી અવાજ તરીકે ઊભરી આવ્યા છે. જેપી મોર્ગન ચેઇઝના ચીફ એક્ઝિક્યુટિવ વ્હાઇટ હાઉસની બિઝનેસ એડવાઇઝરી કાઉન્સિલમાં સેવા આપી રહ્યા છે અને પાવરફુલ બિઝનેસ રાઉન્ડ ટેબલના ચેરમેન છે.
પરંતુ શુક્રવારે આ મોટી બેંકના ત્રિમાસિક નફા અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવેલી બેઠકમાં જેમી ડાયમને વોશિંગ્ટનમાં બિઝનેસ માહોલ માટેની પ્રતિકૂળતા પ્રત્યે પોતાની હતાશાને વ્યક્ત કરી હતી. જેમી ડાયમને જણાવ્યું હતું કે અમેરિકામાં વ્યાપાર માટે પ્રતિકૂળ માહોલ હોવાના કારણે તેમને દુનિયાભરમાં શર્મિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચાર સંસ્થા એએફપીના જણાવ્યા અનુસાર વિશ્લેષકો સાથેની કોન્ફરન્સમાં જેમી ડાયમને જણાવ્યું હતું કે એક અમેરિકન નાગરિક હોવાના નાતે દુનિયામાં ફરતી વખતે તેમને પોતાના દેશમાં થઇ રહેલી બકવાસ વાતોને સાંભળવી પડે છે જે શરમજનક છે.
જેમિ ડાયમને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા પ્રોફેશનલ બિઝનેસ પોલિસીની તરફેણમાં સંગઠિત થવામાં નિષ્ફળ જશે તો અમેરિકાને ૧.૫થી ૨.૦નો ગ્રોથ સિદ્ધ કરવામાં મુશ્કેલી પડશે.તેમણે અમેરિકાના માહોલ અંગે જણાવ્યું હતું કે આપણે એક બ્યુરોક્રેટિક, વિવાદિત અને કન્ફ્યુઝ્‌ડ સમાજ બનીને રહી ગયા છીએ.જો આપણે તેને રદ કરવા માટે પગલાં કરીશુ તો આપણી ગ્રોથ ઘણી મજબૂત રહેશે.
ડાયમને ટ્રમ્પની બિઝનેસ કાઉન્સિલમાંથી હટી જવા માટે શેરહોલ્ડર્સની માગણીનો પણ વિરોધ કર્યો હતો. તેમણે ભારત અને ચીનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારતને ખબર છે કે વ્યાપારને પ્રોત્સાહિત કરવા માટે નીતિઓ ઘડવી એક સામાન્ય નાગરિકની નોકરી અને વેતન માટે સારું પગલું છે. તેમણે ભારત અને ચીનના પોતાના પ્રવાસ અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હું તાજેતરમા જ ભારત અને ચીનના વડાપ્રધાનોને મળ્યો હતો અને એ જોઇને મને સારું લાગ્યું કે આ દેશો એક વાત સમજે છે કે વેપારને પ્રોત્સાહિત કરવા માટે નીતિ ઘડવી આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે બીજા દેશોમાં ખાસ કરીને ભારતમાં વ્યાપારને પ્રોત્સાહિત કરવા માટે દરેક મોરચે આર્થિક નીતિઓને સ્થિતિ સ્થાપક બનાવવામાં આવી છે.