(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે રાફેલ જેટ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસ કરાવવાની પક્ષની માગણીનો શુક્રવારે પુનરોચ્ચાર કર્યો છે. ધ હિન્દુના રિપોર્ટ પર ચિદમ્બરમ પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ધ હિન્દુના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુપીએ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા રાફેલ જેટ સોદાની સરખામણીએ મોદી સરકારે કરેલા સોદામાં પ્રત્યેક રાફેલ વિમાનની કીમતમાં ૪૧.૪૨ ટકાનો વધારો થઇ ગયો. એક પત્રકાર પરિષદમાં ચિદમ્બરમે જણાવ્યું કે ધ હિન્દુના રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ૧૨૬ રાફેલ વિમાન ખરીદવા માટે યુપીએનો સોદો કેન્દ્રે શા માટે રદ કર્યો અને મંત્રણા કરવાને બદલે માત્ર ૩૬ રાફેલ વિમાન માટે નવી સમજૂતી કરી. ચિદમ્બરમે જણાવ્યું કે ઇન્ડિયન એરફોર્સે વિમાનમાં ૧૩ ખાસ સુધારા કરવાનું કહ્યું હતું અને આ સુધારા કરવા માટે એનડીએ અને યુપીએના ડીલ હેઠળ ૧૩૦ કરોડ યુરોનો ખર્ચ થવાનો હતો. યુપીએના સોદા મુજબ રાફેલ જેટ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશનને ૧૩૦ કરોડ યુરો સાડા દસ વર્ષમાં આપવાના હતા પરંતુ મોદી સરકારે કરેલા નવા સોદા મુજબ હવે આ ૧૩૦ કરોડ યુરો દસોલ્ટ કંપનીને ૩૬ મહિનામાં આપવા પડશે, એવો ચિદમ્બરમે દાવો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે જો ૧૨૬ વિમાન ખરીદવામાં આવ્યા હોત તો ભારતને રાફેલ વિમાનમાં કરાયેલા સુધારાને કારણે વિમાન દીઠ ૧.૦૩ કરોડ યુરોનો ખર્ચ થયો હોત પરંતુ ૩૬ વિમાનની સમજૂતી હેઠળ વિમાન દીઠ કીમત ૩.૬૧૧ કરોડ યુરો વધી ગઇ.

નરેન્દ્ર મોદીના સોદાએ પ્રત્યેક રાફેલ માટે
દસોલ્ટને ૧૮૬ કરોડ રૂપિયા વધુ આપ્યા : કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ઠ નેત પી. ચિદમ્બરમે શુક્રવારે જણાવ્યું કે રાફેલ સોદા અંગે કેન્દ્ર ખાતેની નરેન્દ્ર મોદી સરકારે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ૩૬ રાફેલ જેટ સોદાની જેપીસી દ્વારા તપાસ કરાવવાની કોંગ્રેસની માગણીનો પુનરોચ્ચાર કરતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે ૧૨૬ રાફેલ વિમાનને બદલે ૩૬ ખરીદવાનો ઓર્ડર આપીને મોદી સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યું છે. પત્રકાર પરિષદને સંબોધતા ચિદમ્બરમે જણાવ્યું કે તેમને એવું લાગે છે કે યુપીએ સરકારના ભાવ કરતા ઉંચા ભાવે રાફેલ વિમાન ખરીદીને એનડીએ સરકારે રાફેલ વિમાન બનાવનાર કંપની દસોલ્ટ એવિએશનની તિજોરી છલકાવી દીધી છે. મોદી સરકારે બે રીતે દેશ સાથે ખોટું કર્યું છે. ભારતીય વાયુ દળને ૯૦ લડાયક વિમાનની જરૂર છે. વાયુ દળની ૯૦ વિમાનની માગણી નકારીકાઢીને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યું છે અને બીજું સરકારે બે સ્ક્વેડ્રોન ખરીદ્યા છે. આ ખરીદીને કારણે પ્રત્યેક વિમાન દીઠ આશરે ૨.૫ કરોડ યુરોનો ખર્ચ વધી જશે. ૨૦૧૬ના વિનિમય દર મુજબ ૨.૫ કરોડ યુરો ૧૮૬ કરોડ રૂપિયા જેટલા થાય છે. ભારતને પ્રત્યેક રાફેલ વિમાન માટે ૧૮૬ કરોડ રૂપિયા વધુ ચુકવવા પડશે.