(એજન્સી) વોશિંગ્ટન, તા.૮
ઈસ્લામ ધર્મ વિશે એક એવી ચર્ચા છે કે, તલવારની ધારથી ફેલાયો છે, પણ તે ખોટું છે. શાંતિ અને પ્રેમના સંદેશાને કારણે ઈસ્લામ ધર્મ ફેલાયો છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં ‘મુહમ્મદ પ્રોફેટ ઓફ પીસ એમિડ ધ કલેશ ઓફ એમ્પાયર’ નામના પુસ્તકનું પ્રેઝન્ટેશન પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં લેખક જુઆન કોલે શું હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે તલવારની ધારે લોકો પર ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવ્યો હતો ? એવા અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. લેખકે પુસ્તકમાં લખ્યું છે કે, કોઈપણ બિન મુસ્લિમ પવિત્ર કુર્આન શરીફનું અધ્યયન કરે છે તો તે આશ્ચર્યચકિત થઈ જાય છે. પવિત્ર કુર્આનમાં હઝરત ઈબ્રાહીમ (અ.સ.), હઝરત મુસા (અ.સ.), હઝરત યુસુફ (અ.સ.) અને હઝરત ઈસા (અ.સ.) વિશે ઘણી બધી માહિતી છે પરંતુ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ વિશે ઝાઝી માહિતી નથી. કુર્આન મજીદમાં દરેક સ્થાન પર પયગમ્બર સાહેબને સંબોધન કરવામાં આવ્યું છે પરંતુ એમના વિશે વધુ વાત કરવામાં આવી નથી. વોશિંગ્ટન કૈટો ફાઉન્ડેશન નામની થિંક ટેન્કના અનુસંધાનકર્તા મુસ્તુફા અકયૂબે લખ્યું છે કે, ઈસ્લામિક પુસ્તકોને આધારે ઈસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જીવન વિશે અનેક પુસ્તકો લખવામાં આવ્યા છે પરંતુ જુઆન કોલે જે લખ્યું છે તે તદ્દન નવી વાતો છે. આ લેખકને ઈસ્લામ ધર્મ અંગે અતિ અધિક જાણકારીઓ છે એમણે નવા તથ્યો અને નવા તર્કો રજૂ કર્યા છે. જુઆન કોલના જણાવ્યા અનુસાર, સાતમી શતાબ્દી ઈસવીમાં કુસતુન્તુનિયાના ખ્રિસ્તી સામ્રાજ્ય અને ઈરાનના જરથ્રુષ્ટ સામ્રાજ્ય વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દરમિયાન ઈસ્લામ ધર્મનો ઉદય થયો હતો. કોલે તેમનો આ દૃષ્ટિકોણનો તર્ક કુર્આન શરીફની સૂર-એ-રોમની આરંભિક આયતો આધારે રજૂ કર્યો છે. કોલ લખે છે કે, કુર્આન શરીફની આ આયતો પરથી સ્પષ્ટ થાય છે કે, એ સમયના મુસ્લિમો ખ્રિસ્તીઓને કેટલો પ્રેમ કરતા હતા. ખ્રિસ્તીઓ પણ એક ઈશ્વરની ઉપાસના કરતા હતા. જો કે એમનું યુદ્ધ મૂર્તિપૂજા કરનાર નાસ્તિકો સામે હતું.
ઈતિહાસમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેના પરથી તો મુસ્લિમો-ખ્રિસ્તીઓ વચ્ચે કોઈ મેળમિલાપ ન હોવાનું જણાય છે પરંતુ લેખકે જે દૃષ્ટિબિંદુ પ્રસ્તુત કર્યું છે એ નવી દિશામાં આપણે વિચારવાની જરૂર છે. લેખકે પુસ્તકમાં પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના શરૂઆતના જીવન અને પવિત્ર મક્કા શરીફમાં પસાર કરેલ કઠિન વર્ષો અંગે વાત કરી છે અને તથ્યો આધારે એવો વિચાર રજૂ કર્યો છે કે, ઈસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) સાહેબે ત્યારપછી જેટલા પણ યુદ્ધ કર્યા તે તમામ આત્મરક્ષા હેઠળ સમાવિષ્ટ હતા. લેખકે જણાવ્યું કે, હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે એકેશ્વરવાદ ધર્મનો પ્રચાર કર્યો છે અને અલગ અલગ સંસ્કૃતિઓને સમાવવા સદ્‌ભાવનાનું વાતાવરણ ઊભું કરવા પ્રયત્નો કર્યા છે.