ભાજપના નેતા બળવંતસિંહ રાજપૂત દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની રાજ્યસભાના સાંસદ તરીકે થયેલી જીતને પડકારતી ઇલેક્શન પિટિશનમાં જુબાની આપવા માટે સોમવારે રાજ્યના વિધાનસભાના સચિવ અને રિટર્નિંગ ઓફિસર ડી.એમ. પટેલ હાજર રહ્યા હતા. કોર્ટ દ્વારા તેમને ૧૩ માર્ચ ૨૦૧૯ના રોજ સમન્સ મળ્યું હતું અને કોર્ટના આદેશ મુજબના તમામ દસ્તાવેજોની નકલ સાથે તેઓ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂતના વકીલ દ્વારા લેવામાં આવેલી સરતપાસમાં તેમણે જણાવ્યું હતું કે, મત ગણતરીની પરવાનગી મળ્યા બાદ બેલેટ બોક્સમાંથી બેલેટ પેપર નીકળ્યા જેમાંથી ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના હુકમ મુજબ બે મત રદ બાતલ કરેલ. આ બે મતો કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહેલના હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય ધારસિંહ ખાનપરા દ્વારા મતદાન કરવા માટે સાથીદાર ની જરૂર હોવાની પરવાનગી માંગતી અરજી કરેલી જેના સંદર્ભ માં મેં નોટિંગ કરેલ અને અરજી સાથે ખાનપરા દ્વારા તેમનું મેડિકલ પ્રમાણપત્ર પણ મુકવામાં આવેલ જે હું રજૂ કરૂં છું. મત ગણતરી દરમિયાન શૈલેશ પરમાર, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા લેવામાં આવેલ લેખિત વાંધા રજૂ કર્યા. જેના સંદર્ભ માં મેં નોટિંગ કરેલ અને બલવંતસિંહ રાજપૂત એ શૈલેષ પરમાર વિરૂદ્ધ મત અન્ય ને દેખાડવાનો મૌખિક વાંધો લીધેલ જેની નોંધ લેતી અરજી રજૂ કરૂં છું. આ ઉપરાંત સ્મૃતિ ઇરાની દ્વારા શૈલેષ પરમારની વાંધા અરજી સામે વાંધો ઉઠાવવામાં આવેલ જેની કોપી રજૂ કરૂં છું. મત ગણતરીની વીડિયો રેકોર્ડિંગ સીડી અને બેઠક વ્યવસ્થાની રેકોર્ડિંગની સીડી, સાપુતારા હોલનો નકશો રજૂ કરૂં છું. આ બાબતે અહેમદ પટેલના વકીલ દ્વારા વાંધો લેવામાં આવ્યો જેની ઉલટ તપાસ ૨૭ માર્ચના રોજ થશે. ઉલ્લેખનીય છે કે, રાઘવજી પટેલ અને ભોળા ગાહેલે પોતાને મત કોંગ્રેસના ચૂંટણી એજન્ટ શક્તિસિંહ ગોહિલ સિવાય અન્યોને બતાવીને મતની ગુપ્તતાનો ભંગ કરતા તેમને બે વોટ રદ થતા એહમદ પટેલ વિજયી થયા હતા. જ્યારે ભાજપે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને મિતેષ ગરાસિયાએ આમ જ કર્યું હતું પરંતુ ચૂંટણી પંચે તેમનો વાંધો ધ્યાને લીધો નહોતો.