(એજન્સી) મુંબઈ, તા.૩
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, જો માગણી કરવામાં આવશે અને જરૂર જણાશે તો સીબીઆઈના પૂર્વ જજ બી.એચ.લોયાના મૃત્યુની ફેરતપાસ કરાવવામાં આવશે. એક મરાઠી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપતા એમણે કહ્યું હતું કે, જો આ કેસમાં કોઈ તથ્યો હશે અને માગણી કરાશે તો તપાસ થઈ શકશે. એમણે કહ્યું કે મને આ વિશે વધુ માહિતી નથી પણ મેં અખબારોમાં જે તે સમયે વાંચ્યું હતું જેમાં મહારાષ્ટ્રમાં ચર્ચાઓ થતી હતી કે કેસની પુનઃ તપાસ કરાવવામાં આવે. પવારે વધુમાં કહ્યું કે, જો માગણી કરાશે અને એ માગણીમાં જો કોઈ સત્ય દેખાતો હશે તો ફેરતપાસ કરાવીશું. જો કોઈ તથ્યો નહીં હોય તો કોઈના ઉપર આધારવિહોણા આક્ષેપો કરવા યોગ્ય નથી. જે તે સમયે જજ લોયાનું રહસ્યમય રીતે મોત થયું હતું તે વખતે તેઓ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા જે કેસમાં અમિત શાહ પણ આરોપી હતા. જજ લોયાનું મોત ૧ ડિસેમ્બર ર૦૧૪માં થયું હતું. નવેમ્બર ર૦૧૭માં કારવાંએ અહેવાલો આપી જણાવ્યું હતું કે, લોયાનું મૃત્યુ કુદરતી ન હતું. એના પછી સુપ્રીમકોર્ટમાં પણ તપાસ માટે અરજીઓ દાખલ થઈ હતી. સુપ્રીમકોર્ટે ૧૯ એપ્રિલ ર૦૧૮માં પોતાનો ચુકાદો આપી જણાવ્યું હતું કે લોયાનું મૃત્યુ કુદરતી હતું જેથી ફેરતપાસની જરૂર નથી. એ પછી રિવ્યુ અરજી પણ દાખલ થઈ હતી. જુલાઈ ર૦૧૮માં સુપ્રીમકોર્ટે રિવ્યુ અરજી પણ રદ કરી હતી.
જો માગણી કરાશે અને જરૂર પડશે તો જજ લોયા કેસની ફેરતપાસ કરાવવામાં આવશે : NCP અધ્યક્ષ શરદ પવાર

Recent Comments