(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૨૫
અમરેલીમાં ગઈકાલે પોલીસ હેડક્વાર્ટરમાં જુગાર રમતા પકડાયેલ ચાર પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સસ્પેન્ડ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં ગઈકાલે એલસીબી કચેરી સામે આવેલ બેરેકના રૂમ નંબર-૩માં પોલીસ કર્મચારીઓ ભીખુભાઇ સામતભાઇ ચોવટિયા, વિક્રમભાઈ સાર્દુલભાઈ પોપટ, પિયુષભાઇ નટવરલાલ ઠાકર તેમજ અજિતદાન ઈશ્વરદાન ગઢવી જુગાર રમી રહ્યા હતા ત્યારે એસ.પી. નિર્લિપ્ત રાયને કોઈએ બાતમી આપતા એસપી એ સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.એ. મોરીએ રેડ પાડી ચારેય પોલીસ કર્મચારીઓને જુગાર રમતા રૂપિયા ૮૨૨ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હતા. જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે આજે ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચેલ છે.