અમદાવાદ, તા. ૨૬
સી.જી.રોડ પર આવેલા એક ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે ૧૫ શખ્સને જુગાર રમતા ઝડપી લીધા છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓ ૨૫ જુલાઈની રાત્રે નવરંગપુરામાં સીજી રોડ પર આવેલા રાજયોગ એપાર્ટમેન્ટના પાંચમાં માળના ૧૦ નંબરના મકાનમાં જુગાર રમતા ઝડપાયા હતા. જુગાર રમતા ઝડપાયેલા ૧૫ આરોપીમાંથી ૭ આરોપી બોપલના રહેવાસી છે. તમામ આરોપીઓ પાસેથી ૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસનો એક સૂત્રધાર ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧ લાખ ૨૨ હજાર ૩૦૦ રૂપિયા તથા દાવના ૮૩ હજાર મળી કુલ ૨ લાખ ૫ હજાર ૩૦૦ તથા ૨ લાખ ૬ હજાર ૫૦૦ની કિંમતના ૧૫ મોબાઈલ, ૨ લાખ ૯૦ હજારની કિંમતના ત્રણ ટૂ વ્હીલર અને એ ફોર વ્હીલર સહિત કુલ ૭ લાખ ૧ હજાર ૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડી પાડેલા જુગારીઓમાં અમરીશ પટેલ(ઉ.વ. ૩૬) બોપલ, જશવંત પટેલ (ઉ.વ.૫૦), વિશાલ પટેલ, હસમુખ પટેલ, આકાશ પટેલ, ચેતન ત્રિકમલાલ પટેલ સહિત ૧પ નબીરા જુગાર રમતાં ઝડપાયા હતા.