અમદાવાદ,તા.૨૧
શહેરના સરદારનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ પાડીને ૫૮ જુગારીઓને રૂા.૧૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલે બુધવારે શહેરના સરદારનગર વિસ્તારમાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા. ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. કેમ કે, જુગારધામમાં ૫૮ જુગારીઓ જુગાર રમતા હતા. એટલે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તમામ ૫૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જુગારધામ ખાતેથી પોલીસે રૂા.૨.૬૬ લાખની રોકડ, રૂા.૨.૭૨ લાખના ૬૭ મોબાઇલ, રૂા.૭.૬૫ લાખની ૨૭ બાઇક અને રૂા.૪ લાખની બે કાર સહિત રૂા.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એક તરફ પોલીસ શહેરમાં ક્રાઇમ રેશિયો ઘટાડવાની વાતો કરે છે બીજી તરફ સરદારનગરમાં જુગારધામ ચાલતું હોવાની ઘટના સ્થાનિક પોલીસના ધ્યાને કેમ નથી આવતી ? જો કે, ડીજીપીએ પરિપત્ર કરીને દારૂ-જુગારની બદીને નાબૂદ કરવાના આદેશ આપ્યા હતા. ત્યારે જો કોઇ બહારની એજન્સી દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ પાડે તો તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારી સામે કડક પગલાં ભરવા સહિત તેને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાના આદેશ પણ ડીજીપીએ આપ્યા હતા. એટલે સરદારનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ પાડીને જુગારધામ પકડી પાડ્યું છે. ત્યારે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સામે કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.