માંગરોળ,તા.૬
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરના પીએસઆઈ કે.એન.લાઠિયા અને એમની ટીમ સુરત જિલ્લામાં પ્રોહિબીશન અને જુગારના કેસો કરવા માટે નીકળી હતી. તે દરમિયાન બાતમી મળી કે માંગરોળ પોલીસ સ્ટેશનની હદમાં આવતા માંગરોળ ટાઉનના રેલવે સ્ટેશન નજીક ભારતીય સ્ટેટ બેંકની સામેની લાઈનમાં વાણિયાવાડમાં જુગાર રમાઈ રહી છે.ઉપરોક્ત બાતમીના આધારે આ ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતા સ્થળ ઉપરથી અલ્તાફ મહેમુદ બેલીમ (રહે.માંગરોળ), દિનેશ અરવિંદ વસાવા (રહે.મોસાલી), પ્રભાત મધુ ગોહીલ (રહે.લીંબાડા), અમિત અશોક વસાવા (રહે.ઝાંખરદા), અશોક કાનજી વસાવા (રહે.હરસણી)ની અટક કરી હતી જ્યારે આરીફ એ.મકરાણી (રહે.માંગરોળ)ને વોન્ટેડ જાહેર કર્યો છે. સ્થળ ઉપરથી ૮૯૬૦ રૂપિયા રોકડા, મોબાઈલ નંગ બે, એક મોટરસાયકલ, જુગારના વર્લી મટકાના આંકડા લખેલ સ્લીપબુક નંગ-૩ આંકડા લખેલી સ્લીપ નંગ છ મળી કુલ ૩૧૪૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગુનાનો વોન્ટેડ આરોપી આરીફ એ.મકરાણી જાહેરમાં જુગારના આંક ફરકના વરલી મટકાના આંકડા લખાવી રૂપિયા, પૈસા વડે હાર-જીતનો જુગાર રમીરમાડતો હતો. ઉપરોક્ત વિગતોવાળી ફરિયાદ સ્ટેટ મોનિટરીંગ સેલના નટવતસિંહ શ્રવણભાઈએ માંગરોળ પોલીસ મથકે આપતા માંગરોળ પોલીસે એફઆઈઆર દાખલ કરી વધુ તપાસ માંગરોળ પોલીસે શરૂ કરી છે.