અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા શહેરના જુહાપુરા વિસ્તારમાં વિશાલા સર્કલથી જુહાપુરા તરફના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બુધવારે સવારથી જ પોલીસનો કાફલો સમગ્ર વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બુલડોઝર અને જેસીબી મશીનો, દબાણની ગાડીઓ સાથે મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતનો સ્ટાફ આવી ગયો હતો અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જો કે, શરૂઆતમાં લોકો ટોળે વળ્યા હતા પરંતુ પોલીસે સમજાવટથી કામ લેતાં દબાણ હટાવવાની કામગીરી આગળ વધી હતી. ટીપી રોડને પહોળો કરવા વિશાલા સર્કલથી જુહાપુરા ચાર રસ્તા સુધીના રસ્તાની ડાબી બાજુ આવેલા દબાણોને હાલ દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.