જુહાપુરામાં રાવણ વસે છે તેવું ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ

અમદાવાદ, તા.૧૩

રાજકોટ ખાતે રાવણ દહન વેળા વિહિપના પ્રવીણ તોગડિયાએ ભારતના ગામેગામ અને જુહાપુરામાં રાવણ અને મહિષાસુર છે. તેવું ઉશ્કેરણીજનક ભાષણ કરતાં મુસ્લિમોમાં ઘેરા પડઘા પડ્યા છે અને ચોતરફની તોગડિયાના આ નિવેદનનો વિરોધ ઉઠવા પામ્યો છે. જેમાં આજરોજ જુહાપુરામાં રહેતા મુસ્લિમોએ પ્રચંડ વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું હતું કે પ્રવીણ તોગડિયાએ રાજકોટ ખાતે રાવણદહન વેળા જુહાપુરામાં રાવણો રહે છે. તેવું ઉશ્કેરણીજનક પ્રવચન કર્યું હતું. તેમનું આ નિવેદન આપણી રાષ્ટ્રીયતાને નુકસાન પહોંચાડવાનું તથા દેશમાં અશાંતિનો માહોલ ઊભો કરી લોકોમાં દહેશત અને ભય ફેલાવવાનું છે અને શાંત વાતાવરણ ડહોળવાનું છે. જેથી તેની સામે કાયદાકીય અને કડક હાથે કામ લેવા માંગ કરી છે. જો તેની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે જુહાપુરામાં વેપારી તથા ૬પ ટકા સરકારી કર્મચારીઓ, સેન્ટ્રલ ગવર્મેન્ટના હોદ્દેદારો, ન્યાય પ્રક્રિયામાં રહેતા હોદ્દેદારો, સામાજિક અને નિષ્પક્ષ તથા દેશને વફાદાર લોકો રહે છે જેઓ રાષ્ટ્રીય, ધાર્મિક, તહેવારોમાં ખભેથી ખભા મિલાવીને કામ કરે છે. જુહાપુરાના મુસ્લિમો સામે ખોટી રીતે આંગણી ચીંધી બે કોમ વચ્ચે વર્ગવિગ્રહ તથા વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર તોગડિયાની સામે કાયદાનો ડંડો ઉગામવા માંગ કરી તેની માફીની માંગ કરી હતી. આજરોજ મકતમપુરા જુહાપુરા મુસ્લિમ સમાજ તથા મકતમપુરા વોર્ડ કોંગ્રેસ કમિટી દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ અંગે નુરજ્હાં દિવાન, અનીસ દેસાઈ, સૈઈકર રહેમાન સૈયદ, એજાઝ ખાન ઈફતેખાર નરમાવાલા, જાહિદ મેમન, આસીફખાન જોલી, હાજીભાઈ મિરઝા, સુહાનાબેન મનસુરી, સલીમ અજમેરી, સાકીરભાઈ શેખ, બાબુભાઈ અજમેરી, ઝહીર શેખ, રફીક મનસુરી, મહંમદ મામા, અંજુમન શેખ, રૂબિના મનસુરી, તેમજ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.