અમદાવાદ, તા.૭
જુહાપુરા-મક્તમપુરા, અમદાવાદ ખાતે ૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લોકાર્પણ કરતા જુહાપુરા સરખેજ વિસ્તારમાં અદ્યતન શૈક્ષણિક સુવિધા વિદ્યાર્થિઓને ઉપલબ્ધ થતા શૈક્ષણિક વિકાસની દિશા ખુલી છે. શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આ અદ્યતન શૈક્ષણિક સંકુલના કારણે ખાસ કરીને નાની દિકરીઓની શૈક્ષણિક સુવિધાઓમાં વધારો થશે. હવે આ વિસ્તારની દિકરીઓને માધ્યમિક શાળાનું શિક્ષણ લેવા દૂર નહી જવું પડે
શાળાના અદ્યતન મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રંથાલય, કોમ્પ્યુટર રૂમ, ક્લાસરૂમ, સ્ટાફરૂમ, પ્રિન્સીપાલ ઓફિસ, લોબોરેટરીની સુવિધા ઉપરાંત બાળકોના રમત ગમત માટેનું મેદાન પણ આ શૈક્ષણિક સંકુલમાં છે.
૧૦૨૭.૪૧ ચોરસ મિટર બાંધકામ ક્ષેત્રફળ ધરાવતા શાળાના આ મકાનમાં પ્રથમ માળે ક્લાસરૂમ તથા લેબોરેટરી સાથે કૂલ ૧૨ વર્ગખંડો અને જરૂરી સુવિધાનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં ૩૬ સરકારી હાઈસ્કૂલો છે. તેમાં સૌથી વધુ અદ્યતન સુવિધા ધરાવતુ આ શૈક્ષણિક સંકુલ છે. આ પ્રસંગે ઉપસ્થિત મુસ્લીમ સમાજના મહાનુભાવોએ પોતાની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતુ કે, આ અદ્યતન શૈક્ષણિક સંકુલ બનતા સમગ્ર વિસ્તારના બાળકોને અદ્યતન શૈક્ષણિક સુવિધાઓનો લાભ મળશે.
ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર જુહાપુરા વિસ્તારના ગરીબ, મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ભેદભાવ વિના ઉચ્ચ શિક્ષણની સુવિધા મળશે. શિક્ષણ જ અનિષ્ટકારી સમસ્યાઓને ઉકેલ લાવી શકશે. ગરિબીનું નિવારણ શિક્ષણથીજ શક્ય બનશે.
સંઘર્ષ વેઠીને પણ બાળકોને ભણાવવામાં આવે અને રાજ્ય સરકારનો તેમાં તમામ સહયોગ મળશે. તેમણે જણાવ્યું હતું કે, આ સરકારી શાળામાં ખાનગી શાળા કરતા પણ વધુ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તેની વ્યવસ્થા ગોઠવાઈ છે ત્યારે અધિકારીઓ શિક્ષણ સ્ટાફ દ્વારા તેની સતત તકેદારી રાખવામાં આવે. સમાજમાં પણ સરકારી શાળાઓ પ્રત્યેનો અભિગમ બદલાય તેવું શિક્ષણ સરકારી શાળામાં અપાતુ થયુ છે.આ પ્રસંગે આ વિસ્તારના અગ્રણી મુસ્લિમ મહાનુભાવો અન્ય અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments