મુસ્લિમો જુમ્માની નમાઝ અદા કરી શકે તેના માટે ક્રાઇસ્ટચર્ચની અલ-નૂર મસ્જિદમાં રિપેરિંગ કામ ચાલુ
(એજન્સી) ક્રાઇસ્ટચર્ચ તા.૨૦
ન્યૂઝીલેન્ડનાં વડાંપ્રધાન જેસિન્ડા એર્ડર્ને જણાવ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં જુમ્માની આગામી નમાઝનું રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ કરવામાં આવશે અને જુમ્માના દિવસે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. એર્ડર્ને જણાવ્યું કે જુમ્માની નમાઝ અદા કરવા માટે મુસ્લિમ સમુદાયના લાકો મસ્જિદોમાં પાછા ફર્યા હોવાથી મુસ્લિમ સમુદાય માટે સમર્થન દર્શાવવાની ઇચ્છા છે. મુસ્લિમો જુમ્માની નમાઝ અદા કરી શકે, તેના માટે ક્રાઇસ્ટચર્ચની અલ-નૂર મસ્જિદમાં રીપેરિંગ કામ ચાલુ છે. અલ-નૂરમસ્જિદમાં ઓસ્ટ્રેલિયન આતંકવાદીએ કરેલા બેફામ ગોળીબારમાં ૪૦થી વધુ નમાઝીઓ શહીદ થયા હતા. દરમિયાન, ઓસ્ટ્રેલિયન નેશનલ ઇમામ્સ કાઉન્સિલે જુમ્માનો ખુત્બો ક્રાઇસ્ટચર્ચની મસ્જિદના નરસંહાર સમર્પિત કરવાની ઇમામોને હાકલ કરી છે. કાઉન્સિલના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ કોઇ મુસ્લિમ કે કોઇ નિર્દોષ વ્યક્તિ પરનો હુમલો બધા મુસ્લિમો અને બધા લોકો પર હુમલો છે.