(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
કેટલાક મુસલમાનોને શુક્રવારે નમાઝ અદા કરવા માટે રોકવાના કેસમાં ગુરૂગ્રામ પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. આ લોકો કથિત રીતે જય શ્રી રામના સુત્રોચાર લગાવતા હતા. અને મુસલમાનોને કહ્યું હતું કે, માત્ર મસ્જિદમાં જ નમાઝ અદા કરો. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો છે. ઘટનાના આશરે સપ્તાહ બાદ પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે એ લોકોના નામ અરુણ, મનિષ, મોહિત, રવિંદર અને મોનુ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવ ૨૦ એપ્રિલનો છે પરંતુ ૨૩ એપ્રિલ સુધી પોલીસ ફરિયાદ દાખલ ન કરી શકી. પોલીસે જણાવ્યું કે, કેટલાક લોકો ગુરુગ્રામનાસેક્ટર ૫૨ના વઝિરાબાદમાં નમાઝ અદા કરતા હતા. આ સમયે છ આરોપીઓ ત્યાં આવ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે, આ લોકો જય શ્રી રામ, વાંકે બિહારીની જયના નારા લગાવતા હતા. આ લોકોને વિસ્તાર છોડવા માટે કહી રહ્યા હતા. આ આરોપીઓ પૈકી એક યુવક કહી રહ્યો હતો કે, કોઇ અહી નમાઝ અદા ન કરો, મસ્જીદ શા માટે બનાવી છે? પકડાયેલા બધા જ લોકો વઝિરાબાદના છે.
ગુરુગ્રામ પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે, નહેરુ યુવા સંગઠનના ચેરમેન તરફથી પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ અનેક વર્ષોથી તે મેદાનમાં નમાઝ અદા કરે છે. પરંતુ કેટલાક અસમાજિક તત્વોએ ત્યાં નમાજ અદા કરવાથી અટકાવ્યા હતા. આ લોકો જયશ્રી રામના સુત્રોચ્ચાર લગાવ્યા હતા. અને ધમકી આપી હતી કે, નમાઝ અદા કરવાના પરિણામ ખુબ જ ખરાબ આવશે.
ફરિયાદીને એ વાતનો ડર હતો કે આ લોકો આગામી શુક્રવારે ફરીથી પાછા આવી શકે છે. અને નમાઝ અદા કરવામાં ફરીથી ખલેલ પહોંચાડશે. પોલીસે વીડિયોના આધારે આ તમામની ધરપકડ કરી છે.