જાપાનના વડાપ્રધાનની સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૩મીએ ઐતિહાસિક અહમદઆબાદ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ખાસ કરીને તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત બાદ વર્ષોથી મ્યુનિસિપલ શાસકોના ઓરમાયા વર્તનનો ભોગ બનતા આવતા કોટ વિસ્તારમાં આવશે. જ્યાં શહેરના હાર્દસમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ સિદી સૈયદની જાળીવાળી મસ્જિદની મુલાકાત લઈ નજીકમાં આવેલી હોટલમાં બંને મહાનુભાવો ભોજન લેશે. આ મહાનુભાવોની મુલાકાતને લઈ લાલ દરવાજા, ખાનપુર તથા રિવરફ્રન્ટ આસપાસનો વિસ્તાર દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાલ દરવાજા ખાનપુર વિસ્તારની આ હદે કાયાપલટ થઈ હોય તે અમારી જિંદગીમાં પ્રથમવાર જોયું છે. ખાસ કરીને સિદી સૈયદની જાળી અને આસપાસનો વિસ્તાર લાલ દરવાજા, ભદ્ર વિસ્તારને રાત્રી સમયે નિહાળો તો એમ જ લાગે છે કે આ જૂનું અમદાવાદ છે જ નહીં. ઉક્ત તસવીરમાં સિદી સૈયદની જાળીવાળી મસ્જિદ, સાબરમતી રિવરફ્રન્ટ અને ભદ્રના કિલ્લામાં ઝગારા મારતી રોશની જોઈ શકાય છે.
Recent Comments