(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૩
આણંદ શહેરમાં જર્જરીત જૂના બસસ્ટેન્ડનાં નવનિર્માણ માટે જુનું બસસ્ટેન્ડ તોડી તે જગ્યાએ નવા બસસ્ટેન્ડનું નિર્માણ શરૂ કરાતા જ મુસ્લિમ વિરોધી ભાજપના પદાધિકારીઓએ વિરોધ કરીને જૂનાં બસસ્ટેન્ડના સ્થળે શરૂ કરાયેલા નિર્માણ કાર્યને બંધ કરાવી દઈને સરદાર બાગ સામે નવા બસસ્ટેન્ડના સ્થળે જ સુવિધા સભર બસસ્ટેન્ડ નિર્માણ કરવાની માંગણી કરતા આજે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ આણંદ દોડી આવ્યા હતા.અને તેઓએ જુના બસસ્ટેન્ડ તેમજ નવા બસસ્ટેન્ડની મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ કર્યું હતું,તેમજ કલેકટર સાથે પણ આ વિવાદ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરના બસસ્ટેન્ડની નજીકમાં મુસ્લિમ વિસ્તાર આવેલો હોઈ તેમજ બસસ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં મુસ્લિમ વહેપારીઓની દુકાનો આવેલી હોઈ મુસ્લિમોને આર્થિક નુકશાન પહોંચાડવાનાં બદ આશયે વર્ષ ૨૦૦૨માં ગોધરા કાંડ સમયે બસસ્ટેન્ડ પાસે સ્ટેબીંગના બનેલા દુઃખદ બનાવને આગળ કરી ભાજપનાં નેતાઓએ રાતોરાત બસ સ્ટેન્ડને સરદારબાગ સામે આવેલી જગ્યાએ ખસેડી દીધું હતું,અને ત્યારબાદ સ્થાનિક વહેપારીઓના આંદોલન બાદ જૂના બસસ્ટેન્ડને પીકઅપ સ્ટેન્ડ તરીકે વિકસાવી અહિયાથી બસોની અવર જવર શરૂ કરી હતી,જુનુ બસસ્ટેન્ડ રેલ્વે સ્ટેશન સિટી બસસ્ટેન્ડ અને સુપર માર્કેટ સહીત બજારથી તદ્દન નજીક આવેલું હોઈ લોકો જુના બસસ્ટેન્ડથી જ અવરજવર કરતા હતા,ત્યારે તાજેતરમાં જર્જરીત જુના બસસ્ટેન્ડને તોડીને તેની જગ્યાએ અંદાજે અઢી કરોડના ખર્ચે સુવિધા સભર નવું બસસ્ટેન્ડ નિર્માણ કરવાનું શરૂ કરાયું હતું,તેમજ પાયા ખોદી પીલ્લરોનું કામ શરૂ કરાયું હતું જેને લઈને ભાજપના નગરપાલિકાના પદાધિકારીઓ અને ખાણ ખનીજ મંત્રી રોહીત પટેલએ વાહન વ્યવહારમંત્રી સમક્ષ જુના બસસ્ટેન્ડનાં સ્થળે નવાં બસસ્ટેન્ડનાં નિર્માણના બદલે નવા બસસ્ટેન્ડના સ્થળે સુવિધાસભર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી હતી,તેમજ જુનંુ બસસ્ટેન્ડ વિસ્તાર અસામાજીક તત્વોનો અડ્ડો હોવાની રજુઆત કરી હતી.જેને લઈને રાજકીય દબાણ હેઠળ નિર્માણ કાર્ય બંધ કરાવી દેવાયું હતું. જુના બસસ્ટેન્ડનાં નિર્માણનાં વિવાદને લઈને આજે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમના ઈજનેરી વિભાગનાં અધિકારીઓએ આણંદ આવી જુના બસસ્ટેન્ડ તેમજ નવા બસસ્ટેન્ડનાં સ્થળની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું, તેમજ તેઓએ સ્થાનિક એસટીનાં અધિકારીઓ અને કલેકટર સાથે પણ બેઠક કરી આ વિવાદ અંગે ચર્ચાઓ કરી હતી.
એસટીના અધિકારી રાજપરાએ જણાવ્યું હતું કે નવું બસસ્ટેન્ડ ચોક્કસ જગ્યાએ જ બનાવવું જોઈએ તે હઠાગ્રહ ખોટો છે, તેનાથી એસટી નિગમ અને કોન્ટ્રાકટરને મોટી ખોટ ભોગવવી પડશે.તેમજ આ વિવાદ અંગે તમામ તપાસ તેમજ પ્રજાકીય સુવિધાઓ વગેરે ધ્યાનમાં લઈને એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓને રીપોર્ટ આપવામાં આવશે.અને ત્યારબાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.