(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
રાજ્યમાં જૂના મકાનો-ફ્લેટો માટે રાહત અને ખુશીના સમાચારરૂપ ગુજરાત સરકારે આજે નિર્ણય લીધો છે. રાજ્યમાંના રપ વર્ષ કે તેથી વધુ જૂના મકાનો-ફ્લેટો વગેરેને રિ-ડેવલપમેન્ટ કરવા એટલે કે પુનઃ બાંધકામ માટે પરવાનગી આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય સરકારે લીધો છે. એટલે હવેથી રાજ્યમાં જૂના મકાનોને ફરી એકવાર પરવાનગી સાથે આસાનીથી નવા બનાવી શકાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે અત્યંત મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૫ વર્ષ જૂનાં આવાસોનું રિડેલપમેન્ટ કરાશે. સંબંધિત ઓથોરિટી દ્વારા ભયજનક કે પડી જાય એવા જાહેર કરાયા હોય તેવા મકાનોના કિસ્સામાં પણ રિડેવલપમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં જે મકાનોને વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી ૨૫ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તેવા કિસ્સામાં ઓછામાં ઓછા ૭૫ ટકા ફ્લેટ/એપાર્ટમેન્ટ ધારકોની સંમતિ મેળવ્યા બાદ રિડેવલપમેન્ટની કાર્યવાહી કરી શકાશે. એટલે કે ફ્લેટ્‌સ અથવા એપાર્ટમેન્ટ-સોસાયટીના ૭પ ટકા સભ્યોની સંપત્તિ મેળવવાની રહેશે. આ ઉપરાંત, જો સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તેવા કે ભયજનક જાહેર કરાયા હોય, તેમજ આવા મકાનોથી આસપાસના રહેવાસીઓ કે અન્ય મિલકત ને નુક્શાનકર્તા થાય તેમ જાહેર કરેલું હોય તો તેવા કિસ્સામાં રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના ઓઢવમાં ચાર માળની ઈમારતના બે બ્લોક ધરાશાયી થઈ જતાં ૫ વ્યક્તિ તેમાં દટાઈ ગઈ હતી. જેમાં એકનું મોત થયું હતું, અને ચારને ઈજા થવા પામી હતી. આ બનાવને પગલે રાજ્ય સરકારે તાકીદનો નિર્ણય લઈ જૂના મકાનો નવા બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો.