(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
નવસારીના ઘેલખડીમાં બે જૂથો વચ્ચે જુના ઝઘડાની અદાવતમાં હિંસક અથડામણ થતા કાર્તિકનગરમાં રહેતા આઠના ટોળાએ લોખંડના પાઈપ, સળીયા અને સટમ્પ વડે હુમલો કરતાં એક યુવાનને ઘટના સ્થળે મોતને ઘાટ ઉતાર્યો હતો.જ્યારે ત્રણને ઈજા થતાં નવસારી સિવિલમાં દાખલ કરેલા છે.જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ઘેલખડીમાં રહેતાં પુર્ણેશ કોમ્પ્લેક્ષ પાસે રહેતાં સુમીત પ્રકાશ જાદવ અને ઘેલખડી કાર્તિકનગર, ચામુંડાનગરમાં રહેતાં બિપીન પરમાર તેનો ભાઈ હેમંત પરમાર, અમિત પરમાર, ઐયુબ શેખ, અમિત સિન્હા, વિપુલ રાઠોડ, કેતન સાયન્ડિસ, વગેરે વચ્ચે નવરાત્રિના ગરબા રમતી બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ગતરાત્રે સુમિત પ્રકાશ જાદવ અને તેના મિત્રો અમિત મિશ્રા, વિપુલ વગેરે સાથે ધેલખડી રાણા કંપાઉન્ડ પાસે કાંતિભાઈ મિસ્ત્રીની દુકાનના ઓટલા પાસે બેઠા હતા. તે વખતે નિલેશ સત્યનારાયણ વમન ઉ.વ.૨૫ રહે. પૂર્ણેશ કોમ્પ્લેક્ષ, યુનિટ-૨ તથા હિતેશ ખાચર ત્યાં આવ્યા હતા. તે દરમિયાન બીજા ગ્રુપના લોકો ત્યાં આવી જણાવેલ કે નવરાત્રિમાં જે ઝઘડો થયો હતો. તે મેટર શોટઆઉટ કરવું છે કે આગળ વધારવું છે. તેમ જણાવી ત્યાંથી જતા રહ્ના હતા અને નિલેશ વમન તથા રાહુલ તિવારી સાથે ગરબા રમવા બાબત થયેલા ઝઘડામાં અમિત સિન્હાએ વાત કરતા તેમને સબક શીખવવા બધા મિત્રોએ નક્કી કર્યું હતું, અને બીજી વખત આપણા સાથે ઝઘડો નહીં કરે તે માટે ઘેલખડી મગનભાઈ ટેલરની દુકાન પાસે જતા ઉશ્કેરાયેલા બિપીન પરમારે તથા તેનો ભાઈ હેમંત ઐયુબ શેખ, અમિત પરમાર વગેરેએ લાકડા વડે, લોખંડના પાઈપ વગેરે લઈ આવી નિલેશ વમન તથા સુમિત જાદવે વગેરેને માથામાં આડેધડ ફટકાઓ મારતા હલચલ મચી ગઈ હતી. લોકોના ટોળેટોળા ભેગા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત નિલેશ, સુમન વિપુલને નવસારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં નિલેશ વમનનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે ટાઉન પોલીસમાં સુમીત પ્રકાશભાઈ જાદવે હુમલો કરનાર બિપીન પરમાર સહિત સાતથી વધુના ટોળા સામે ફરિયાદ નોધાવતા પોલીસે હત્યાનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.