જૂનાગઢ, તા. ૩૧
જૂનાગઢ કોર્પો. સત્તાસ્થાને બિરાજાયેલ ભાજપના શાસકો અવારનવાર એક અથવા બીજા કારણસર સતત ચર્ચામાં રહે છે અનેક પ્રકારના કૌભાંડની માયાજાળમાં ફસાયેલા આ મહાનગરપાલિકાનું ખાસ જનરલ બોર્ડ બોલાવવાની માગણી વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આગામી સોમવારે મનપાનું ખાસ બોર્ડ મળી રહ્યું છે. ત્યારે આ બોર્ડમાં તડાફડી નિશ્ચિત બની છે. જૂનાગઢ મનપા કે મહાકૌભાંડ પાલિકાએ નક્કી કરવું આમ જનતા માટે મશ્કેલ બને તેવી સ્થિતિ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ બનાવી દીધી છે. ડુંગળીના પડની જેમ નવા-નવા કૌભાંડ ખુલી રહ્યા છે. જો કે આ કૌભાંડ પૈકી એક પણ કૌભાંડની તટસ્થ તપાસ થઈ છે કે ન તો કોઈનો વાળ પણ વાંકો થયો છે. બસ તપાસના નામે ઢાંકે ઢુંબો કરી દેવામાં આવે છે. ગાર્બેજ કલેક્શન કૌભાંડ, ફુલ ઝાડનું ગ્રીન કૌભાંડ, પ્રમોશનનું કૌભાંડ અને હવે તો હદ થઈ ગઈ છે કે ગાયોનું કૌભાંડ આચરાયું છે. પ૦૦થી વધુ પશુનાં મોત થવા છતાં મનપાના અધિકારીઓ કે પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે શું તેમના પેટમાં પણ કંઈક પડી ગયું છે. તેવા સવાલો પણ જનતામાં ઉઠી રહ્યા છે. તપાસના નામેે નર્યું ડિંડક ચાલે છે. ત્યારે હવે દેર આયે દુરસ્ત આયેની જેમ વિરોધ પક્ષ મેદાનમાં આવ્યું છે. ગૌ કૌભાંડ સહિતના તમામ કૌભાંડ મામલે તેમણે રિકવિઝિશન બેઠક બોલાવવા દરખાસ્ત કરી હતી તેને મંજૂરી મળી ગઈ છે. હવે આગામી સોમવાર ૪ જૂને સવારના ૧૧ વાગ્યે મનપા ખાતેના સભાખંડમાં ખાસ બોર્ડ મળશે. આ બોર્ડમાં ભારે તડાપીટ બોલે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત બલરામ ગૌશાળા સંચાલકો પણ બોર્ડમાં રજૂઆત કરવા આવે તેવી હાલના તબક્કે સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોવું રહ્યું કે મનપા ગૌશાળા સંચાલકોને મંજૂરી આપે છે કે નહીં આ કૌભાંડની સીઆઈડી કે લાંચ-રૂશ્વત ખાતા દ્વારા તપાસ કરવાની માગણી પ્રજામાંથી ઊઠી છે.