જૂનાગઢ, તા. ર
જૂનાગઢ સહિત ગુજરાત ભરમાં ભારે ચકચારી બનેલા ગૌશાળામાં પશુઓનાં મોતનાં કમોત અંગેના બનાવના પગલે જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડી છે. ગેરરીતિ સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ વિપક્ષે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બોલાવવાની માગણી કરી છે અને આગામી સોમવારે તા. ૪-૬-૧૮ના રોજ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળી રહ્યું છે. તેવા સંજોગોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રવિણ સોલંકી અને પદાધિકારીઓએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને ગૌશાળામાં પશુઓના મૃત્યુ તેમજ ચોરવાડી ખાતે આવેલી બલરામ ગૌશાળામાં ખોટા બિલો ઉધારવા બાબતના મુદ્દા અંગેની મનપા તંત્રએ કરેલી કામગીરી વિસ્તૃત વિગતો પત્રકાર પરિષદમાં આપી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ રખડતા-ભટકતા પશુઓને વિવિધ પાંજરાપોળ-ગૌશાળામાં મોકલવામાં આવતા હતા. આ પૈકી ૭૦ ટકાથી વધુ પશુના મોતનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાએ આ બાબતે કૌભાંડ ઉજાગર કરતા આખરે મનપાના અધિકારી-પદાધિકારીઓ દોડતા થયા હતા અને ૭ સભ્યોની કમિટી બનાવી તપાસ કરાવડાવી હતી. આ તપાસનું જે તારણ નિકળ્યું તેનાથી પત્રકારોને માહિતગાર કરવા ગત રોજ શુક્રવારે મનપામાં કમિશનરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પત્રકારોને કમિશનર પ્રકાશ સોલંકીએ વિગતો પૂરી પાડી હતી. કમિશનર પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે મનપા દ્વારા ૬-૯-૧૬થી ૩૦-૪-૧૮ સુધી રખડતા-ભટકતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવા રર૯પ પશુ પકડાયા હતા. આ પશુને સાચવવા માટે મનપા પાસે જગ્યા ન હોય ૯૧ ગૌશાળા-પાંજરાપોળને પત્ર લખી ગૌવંશને સંભાળવા પત્ર લખી જણાવવામાં આવેલ જેમાંથી માત્ર ૬ ગૌશાળા જ ગૌવંશને સંભાળવા તૈયાર થઈ હતી. જો કે આ કામગીરી દરમ્યાન ર૦૮ પશુઓને તેના માલિકો દંડ ભરીને છોડાવી ગયા હતા. જ્યારે ૧૪૯ પશુ કેટલ પાઉન્ડ શાખામાં જ મૃત્યુ પામ્યા હતા. બાદમાં ૬ ગૌશાળાવાળાઓ ગાયો સંભાળવા તૈયાર થયા તેમને ગૌવંશ મોકલવામાં આવ્યા હતા. જેમાં ધોરાજી ગૌશાળાને પ૦ પશુ મોકલ્યા હતા જેમાંથી ૪૬ના મૃત્યુ થયા હતા. આ માટે ૧ લાખ રૂપિયા આપવામાં આવેલ હતા. જ્યારે મણીભદ્રવીર જૈન પાંજરાપોળ (ખાખરિયા તા. જાંબુઘોડા) ૧ર૯ પશુ મોકલ્યા હતા. જેમાંથી ૮૦ના મોત થયાં હતાં. જેને ૬,૮૭,૦૦૦ રૂપિયા આપ્યા હતા. વેરાવળ મહાજન પાંજરાપોળને મોકલેલ ૩ર પૈકી ૩૦નાં મોત થયાં હતાં. જેને ૯૩,૦૦૦ રૂપિયા આપ્યા હતા. ખોડિયાર ગૌશાળા શોભાવડલાને ૧૦૦ પશુ મોકલવામાં આવ્યા તેમાંથી તમામ પશુઓનાં મોત થયાં જેને ર,૮૮,૦૦૦ રૂપિયા આપ્યા હતા. જ્યારે રામાપીર ગૌશાળા ટ્રસ્ટ તોરણિયાને ૧૧ર૭ પશુ મોકલેલ હતા જેમાંથી ૮૮૮નાં મોત થયાં છે. આ ગૌશાળાને ૩૩,પ૧,૦૦૦ આપવામાં આવ્યા હતા. જ્યારે માંડલ મહાજન પાંજરાપોળને મોકલેલ ૩૩૮ પૈકી ર૩૬ પશુઓનાં મોત થયેલ છે. જેને ૯,૬૯,૦૦૦ રૂપિયા આપવામાં આવેલ હતા. આમ વિવિધ ૬ ગૌશાળાને મળી મોકલાયેલા કુલ ૧૮૭૬માંથી ૧૩૮૦ પશુનાં મોત થયાં છે. આ મોત ક્યારે થયા તેનું પંચનામું કરાયું નથી. આ માટેની મનપાએ બનાવેલ ૭ સભ્યોની ટીમે તપાસ કરી હતી. જેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ કામગીરી વર્ષ ર૦૦૪માં થયેલ કરાર નમુનો કે જેને સ્થાયી સમિતિએ મંજૂર કરવામાં આવેલ હતો જેના આધારે કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે કે નહીં તેની તપાસ કરી ન હતી રજિસ્ટ્રર નિભાવાયું નહતું, પશુ મોકલ્યા બાદ તેની સારસંભાળ, મૃત્યુ બાદ મનપા કચેરીને કોઈ જાણ કરવી વગેરે બાબતોનો ઉલ્લેખ નહોતો. આ ઉપરાંત કેટલ પાઉન્ડ શાખના સુપરવાઈઝર દ્વારા ગૌવંશ મૂકવા જતી વેળા અગાઉ મોકલેલ પશુની સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પણ પૂછપરછ કરવામાં ન આવતા આ ત્રણની હાલના તબક્કે મનપા તંત્રના અધિકારીઓની જવાબદારી ફિક્સ થાય છે. માટે કેટલ પાઉન્ડ સુપરવાઈઝર અબુ શેખ, વેટરનરી ડોક્ટર રાહુલ વાણિયા અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણાને નોટિસ પાઠવી દિવસ ૭માં જવાબ આપવા જણાવાયું છે. તેમના જવાબ બાદ જે દોષિત હશે તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું કમિશનર સોલંકીએ જણાવ્યું હતું. તેમજ ઓડિટ શાખા દ્વારા રજૂ કરાયેલ બિલમાં ક્યારે કોઈ કવેરી કાઢી ન હતી તેની તપાસ પણ થવી જરૂરી છે.