(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.પ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થવા સહ ચોમાસા પૂર્વે કૃષિ યુનિ. કેમ્પસમાં પરિસંવાદ યોજાયો હતો.
જો સમયસર વરસાદ થાય તો સમયસરની વાવણીમાં ક્યા પાકનું વાવેતર કરવુ ? વરસાદ ખેંચાય તો કેવા પાકની પસંદગી કરવી વગેરે બાબતો સાથે ખેડૂતોની વરસાદી વરતારાની કોઠાસુઝને વિસ્તારવાઈઝ કૃષિકારોનાં અવલોકનો એકત્ર કરી લાંબાગાળાની પુર્વ જાણકારી ખેડૂતોને તેના ખેતી પાકોની યોગ્ય પસંદગી કરવામાં ઉપયોગી થાય છે. સૈારાષ્ટ્રની ખેતી અને ખેડૂતોનાં વિકાસને ધ્યાને રાખીને જૂનાગઢ કૃષિ યુનિ. અને વર્ષા વિજ્ઞાનમંડળ દ્વારા યોજીત વર્ષા વિજ્ઞાન પરિસંવાદને ખુલ્લો મુકતા કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. એ.આર. પાઠકે જણાવ્યુ હતુ કે કૃષિ અવલોકનકારોનાં આ પૌરાણિક વારસો જીવંત રહે અને કૃષિ પ્રયોગશીલ ખેડૂતોની કોઠાસુઝને વિજ્ઞાન સાથે સંકલીત કરવાનો આ પ્રયાસ લાભપ્રદ બની રહેશે.
ગત વર્ષે અભ્યાસુઓએ રજુ કરેલ અવલોકન પેકી પ્રેમજીભાઇ બોરડ અને અરજણભાઇ ખાંભલા ને પ્રથમ, બાવનજીભાઇ ગજેરાને દ્વિતિય અને તૃતિય સ્થાને પરશોત્તમભાઇ રાજાણીએ રજુ કરેલ તારણો શ્રેષ્ઠ રહ્યા હતા. જેમને શાલથી સન્માનિત કરાયા હતા.
૫૯ જેટલા અવલોકનકારો અને ૧૨૦ જેટલા વર્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની હાજરીમાં આવનાર ચોમાસુ ૧૨થી ૧૪ આની રહેવાની ધારણોઓ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની શરુઆત ૮ જુથી અને અંત ઓક્ટોબરનું બીજુ અઠવાડીયુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. જૂલાઇનાં ત્રીજા અને ઓગષ્ટનાં બીજા અઠવાડીયામાં અતીવૃષ્ટીની સંભાવના અવલોકનકારોએ મુકી છે.