જૂનાગઢ, તા.ર૯
જૂનાગઢથી ૧ર કિ.મી. દુર ગાંઠીલા નવાગામ ચોકડી નજીક ગતરાત્રે સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવતી અને ત્રણ યુવક સહિત પાંચના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાક્રમની પ્રાપ્ત વિગત મુજબ ગાંઠીલા નજીક નવાગામ ચોકડીથી એક કિ.મી.દૂર ફોર્ડ કાર નં.જીજે-૧૧-સીડી-૦૦૦૦૧ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતો કાર ડીવાઈડર તોડી ઈલેકટ્રીકના થાંભલા સાથે અથડાતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પાંચના કરૂણ મોત અને બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. મૃતકો પૈકી ચાર જૂનાગઢના રહેવાસી અને એક મૃતક વેરાવળનો હોવાનું જણાવાયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાર ચાલક ઈશાંત સલીમભાઈ ચંદાણી (મીર) સહિતનું ગ્રુપ સાસણથી જૂનાગઢ તરફ આવી રહ્યું હતું. ત્યારે ગતરાત્રીનાં ૧.૩૦ કલાકે ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈશાંત ચંદાણીએ કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર ઈલેકટ્રીકના થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો. જેમાં ઈશાંત સલીમભાઈ ચંદાણી (ઉ.વ.૧૯) (ડ્રાઈવર), એઝાઝ ફીરોજભાઈ મીર (ઉ.વ.રપ), ભાવિક કાળુભાઈ મકવાણા (ઉ.વ.ર૪), પાયલબેન વિનોદભાઈ લાઠિયા (ઉ.વ.ર૦) રહે.તમામ જૂનાગઢ તેમજ કુંજનબેન પ્રદિપગીરી અપારનાથી (ઉ.વ.ર૦) રહે.વેરાવળના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોમાં સુનીલ સોલંકી (ઉ.વ.ર૪) અને સમન સલીમ મીર (ઉ.વ.૧પ)ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારને તોડીને મૃતદેહો બહાર કાઢવા પડયા હતા. અકસ્માતની જાણ થતાં ગાંઠીલા-નવાગામ વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માતની જાણ થતાં તુરત જ ૧૦૮ અને વંથલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક એઝાઝભાઈ મીરના પિતા ફીરોઝભાઈ મીર હોસ્પિટલ ખાતે જુવાનજોધ પુત્રનો મૃતદેહ જોઈને બેહોશ થઈ ગયા હતા. જેમને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં ઈશાંત મીર અને એઝાઝ મીર જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા હતા.