જૂનાગઢ, તા.૧૪
મોરબીનો સતવારા પરિવાર સોમનાથ જતો હતો તે દરમ્યાન જૂનાગઢ નજીક ચોકીથી વડાલ વચ્ચે પાછળ આવતી ગાડીએ ઓવરટેક કરવા જતાં અકસ્માત થયો હતો. જેમાં બંને ગાડીઓ પલ્ટી મારી ગઈ હતી. ઓવરટેક કરનાર ગાડીનો ચાલક ગાડી નીચે દબાઈ જતા મોત નિપજ્યું હતું. જ્યારે મોરબીના યુવાનને ઈજા પહોંચી હતી. આ બનાવની મળતી વિગત મુજબ મોરબીના સુરેશભાઈ લખમણભાઈ નકુમ સોમનાથ જઈ રહ્યા હતા. તેમની ગાડી નં. જીજે ૦૩ ઈએલ પ૦૦ર જૂનાગઢ નજીક ચોકીથી વડાલ ગામ નજીક પહોંચી ત્યારે પાછળથી આવતી ગાડી નંબર જીજે.૦૩.એફડી.૦૭૦રના ચાલકે ઓવરટેક કરવા પ્રયાસ કર્યો હતો. જેથી ઓવરટેક સમયે પાછળથી ગાડી ભટકાઈ હતી અને બંને ગાડીઓ પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઓવરટેક કરનાર ગાડીનો ચાલક નીચે દબાઈ ગયો હતો બાદ લોકો એકઠા થઈ ગયા હતા અને ગાડી નીચેથી બહાર કાઢ્યા હતા પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. તેમજ આ અકસ્માતમાં મોરબીના સુરેશભાઈ નકુમને ઈજા પહોંચી હતી. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.