(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.રપ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જૂનાગઢની જીવાદોરી સમાન આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. આમ મેઘરાજાએ ભારે મહેર કરી જૂનાગઢીઓનું જળસંકટ મહ્‌દઅંશે દૂર કરી દીધું છે. જૂનાગઢમાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. મેઘરાજા સમગ્ર પંથકને તરબોળ કરી રહ્યા છે. દરરોજ મોટા ભાગે બપોર બાદ મેઘરાજા પધરામણી કરે છે. જૂનાગઢ શહેરમાં થતી મેઘમહેર કરતા ગિરનારના જંગલમાં પડતાં વરસાદનું પ્રમાણ વધી જાય છે. જંગલમાં પડતા ભારે વરસાદના કારણે ગીર જંગલમાંથી વહેતી નદી, ઝરણાં સજીવન થયા છે. જ્યાં થોડા સમય પહેલા રેતી અને કાંકરા નજરે પડતા હતા. ધૂળ ઉડતી હતી ત્યાં ચોતરફ પાણી પાણી થઈ ગયું છે. નદીઓમાં પૂર આવ્યા છે અને ઝરણાં વહેતા થયા છે. દરમ્યાન મેંદરડા નજીક આવેલા આણંદપુર ડેમમાં પણ પાણીની આવક સતત થઈ રહી હતી. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીની આવક વધતી રહેતા ગઈકાલે રાત્રીના આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. આણંદપુર ડેમમાંથી જૂનાગઢની જનતાને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે. આમ આણંદપુર ડેમ જૂનાગઢવાસીઓની જીવાદોરી સમાન ડેમ છે ત્યારે આણંદપુર ડેમ ઓવરફ્લો થયાના સમાચાર મળતા સરકારી તંત્ર તેમજ સમગ્ર શહેરીજનોમાં હરખની હેલી ચડી છે તમામના ચહેરા ખુશ-ખુશાલ બની ગયા છે. શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં આણંદપુર ડેમ છલકાઈને ઓવરફ્લો થતાં જળસંકટ હાલ પુરતું હળવું થયું છે. જૂના જૂનાગઢ શહેરમાં ઉપરકોટના તળાવમાં પણ પાણીની આવક શરૂ થઈ છે.
હવે હસ્નાપુર અને વિલિંગ્ડન ડેમ છલકાઈ જાય એટલે પાણીની તંગીની સમસ્યાથી છૂટકારો મળશે.