(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અને ગાંધીનગર મહાનગરપાલિકાની એક બેઠક તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટેની તા.ર૧મી જુલાઈએ યોજાયેલી ચૂંટણીનો આજે મતગણતરી હાથ ધરાતા તેના પરિણામો જાહેર થયા હતા જેમાં ફરી એકવાર ભાજપ મેદાન મારી ગયેલ છે. જૂનાગઢમાં ભાજપને ૬૦માંથી પ૪ બેઠકો મળી છે અને કોંગ્રેસને એકમાત્ર તથા એનસીપીને ૪ બેઠકો મળી છે તો તાલુકા પંચાયતોની ૪૩ બેઠકો પૈકી ૩ર ભાજપને અને ૮ કોંગ્રેસને મળી છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થતાં સામાન્ય ચૂંટણી અને અન્ય જિલ્લા-તાલુકા પંચાયત તથા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટે તા.ર૧ જુલાઈએ પેટાચૂંટણી યોજવામાં આવી હતી. ર૧મી એ એકંદરે નિરસ રીતે બહુ ઓછું મતદાન થયા બાદ આજે મતગણતરીની કામગીરી આયોગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઈવીએમથી મતદાન યોજાયું હોઈ પરિણામો બપોર સુધીમાં તો આવવા શરૂ થઈ ગયા હતા જેમાં ફરીવાર ભાજપનો ભગવો લહેરાવવાના પરિણામો આવવા માંડતા ભાજપમાં ખુશી અને ઉજવણીનો માહોલ શરૂ થઈ જવા પામ્યો હતો.
જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશનની ૬૦ બેઠકો પૈકી પ૯ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રણ બેઠકો તો ભાજપે પહેલેથી જ બિનહરીફ મેળવી હતી તે પછી ચૂંટણીમાં વધુ પ૧માં જીત થતાં કુલ પ૪ બેઠકો ભાજપને ફાળે આવી છે તો સામે પક્ષે કોંગ્રેસને સરખાવા પૂરતી એકમાત્ર બેઠક મળી છે જ્યારે એનસીપીએ ૪ બેઠકો કબજે કરવામાં સફળતા હાંસલ કરી હતી.
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં એક બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી તે પણ ભાજપે કબજે કરી લીધી છે તો જિલ્લા પંચાયતોની પાંચ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પણ ભાજપની તરફેણમાં આવતા પાંચેય બેઠકો તેને ફાળે ગઈ છે. જ્યારે રપ તાલુકા પંચાયતોની ખાલી પડેલ ૪૩ બેઠકો માટેની પેટાચૂંટણી યોજાતા ભાજપને ૩ર બેઠકો અને કોંગ્રેસ ૮ તથા અપક્ષને ૩ બેઠકો મળી છે. આ સિવાય માણસા, સાંણદ અને શંખેશ્વર તાલુકા પંચાયતોની ત્રણ બેઠકો ચૂંટણી પહેલાં જ ભાજપને બિનહરીફ મળી ચૂકી છે તે મળીને ભાજપની કુલ બેઠકો ૩પ થવા જાય છે. સમગ્ર ચૂંટણીની કાર્યવાહી શાંતિપૂર્ણરીતે થયેલ છે.