(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.ર૩
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ બહુમતીથી વિજય થયો છે અને કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઈ ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન રિપિટ થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ૧પ વોર્ડની કુલ ૬૦ બેઠકોમાંથી વોર્ડ નં.૩ની ત્રણ બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. વોર્ડ નં.૩ની એક બેઠક ઉપર ઉમેદવારનં ફોર્મ રદ થતાં ચૂંટણી યોજાઈ ન હતી. આમ કુલ પ૯ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧પમાંથી ૧ર વોર્ડ નં. ૧, ર, ૩, પ, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧પમાં ભાજપની સમગ્ર પેનલ જીતી ગઈ છે. કોંગ્રેસના માત્ર એક જ ઉમેદવાર વોર્ડ નં.૪માં મંજુલાબેન પરસાણા જ વિજેતા બન્યા છે. મંજુલાબેન સિવાય કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર જીતી શક્યા નથી. જ્યારે એક જોરદાર અપસેટમાં કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ-૮માં પણ કોંગ્રેસની પેનલનો સફાયો થઈ ગયો છે અને એનસીપીના ચારેય ઉમેદવારો જીતી ગયા છે. કુલ પ૯ બેઠકોમાંથી ભાજપને પ૪ એનસીપીને ૪ અને કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે. આમ જૂનાગઢમાં ૧૯૪૭ બાદ યોજાયેલી તમામ ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે કોંગ્રેસનો સૌથી ખરાબ દેખાવ રહ્યો છે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ કોંગ્રેસની ૧૦થી ૧પ બેઠકો આાવતી હતી પરંતુ આ વખતે માત્ર એક જ બેઠક મળી છે જે કોંગ્રેસ માટે ખૂબ જ આઘાતજનક બાબત છે. ભાજપના જીતેલા દિગ્ગજ ઉમેદવારોમાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, ડે. મેયર ગીરિશ કોટેચા, ધીરૂભાઈ ગોહેલ, શશીકાંત ભીમાણી, ભૂતપૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમૂદાર, સંજય કોરડિયાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.૧પમાં અપસેટ ભાજપની સમગ્ર પેનલ વિજેતા
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧પ પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને જૂનાગઢ કોર્પોરેશન બન્યું ત્યારથી જ તેમજ ભૂતકાળમાં નગરપાલિકાના શાસનમાં પણ વોર્ડ નં. ૧પનો વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ આ વખતે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો આ ગઢ ધરાશયી થઈ ગયો છે. વોર્ડ નં.૧પમાં ભાજપની પેનલ વિજેતા થઈ છે. આ બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર સતિષ કેપ્ટન હાર્યા છે. પોતાની હાર બાદ સતિષ કેપ્ટને નિવેદન આપતા કહ્યું કે, જૂનાગઢની પ્રજા વિકાસ ઈચ્છતી નથી.
વોર્ડ નં.૮માં પણ અભૂતપૂર્વ પરિણામ આઝાદી બાદ કોંગ્રેસ પ્રથમવાર હારી : એનસીપીની સમગ્ર પેનલ જીતી
જૂનાગઢ મહાનગરપાલિકાનો વોર્ડ નં.૮ આઝાદીકાળથી કોંગ્રેસનો અજેયગઢ ગણાતો હતો પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો અજેય ગઢ પણ ધરાશયી થઈ જતાં વોર્ડ નં.૮નું પરિણામ કોંગ્રેસ માટે ખૂબ જ આંચકાજનક સાબિત થયું છે. વોર્ડ નં.૮માં કોંગ્રેસની પેનલ હારી ગઈ છે વોર્ડ ૮ના મતદારોએ અભૂતપૂર્વ ચુકાદો આપતા કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદવારો હારી ગયા છે. જ્યારે એનસીપીની સમગ્ર પેનલ વિજેતા થઈ છે. વોર્ડ નં.૮માં એનસીપીની પેનલના તમામ ચાર ઉમેદવારો અબ્દ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, જેબુનિશાબેન કાદરી અને શેનિલાબેન થઈમનો વિજય થયો છે. વોર્ડ નં.૮માં ભૂતકાળમાં કોંગ્રેસ સિવાય કોઈપણ પાર્ટીના ઉમેદવારો અહીં જીત્યા નથી પરંતુ આ વખતે વોર્ડ નં.૮ના મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને એનસીપીની સમગ્ર પેનલને જીતાડી છે.
મનપાના મેયર તરીકે ધીરૂભાઈ ગોહેલનું નામ રેસમાં સૌથી આગળ
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે મેટર કોણ બનશે ? તે અંગેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકાનું મેયરપદ ઓબીસી માટે અનામત હોય ભાજપના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ધીરૂભાઈ ગોહેલનું નામ મેયરપદ માટેની રેસમાં સૌથી ટોચ ઉપર ચાલી રહ્યું છે જ્યારે ડે. મેયરપદ માટે ગીરિશ કોટેચાનું નામ લગભગ નિશ્ચિત મનાય છે.
વોર્ડ નં.૪માં ભાજપની પેનલ તૂટી કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણાનો વિજય
જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નં.૪માં ભાજપના અજેય રથને બ્રેક લાગી હતી. વોર્ડ નં.૪માં કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણાનો વિજય થયો છે તેમણે તેમના નિકટત્તમનાં પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર ભગવતીબેન પુરોહિતને સામાન્ય સ્ત્રી બેઠક ઉપર હાર આપી છે.
મુખ્યમંત્રી જૂનાગઢ આવશે
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના પ્રચંડ જીતને વધાવા માટે આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જૂનાગઢ આવીને ભવ્ય વિજય ઉત્સવ મનાવશે.
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર ૩ મુસ્લિમ ઉમેદવારો જીત્યા
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર ૩ મુસ્લિમ ઉમેદવારો વિજેતા બન્યા છે જેમાં વોર્ડ નં.૩માં બે ઉમેદવારો અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી અને સરીફાબેન વહાબભાઈ કુરેશી આ બંને બિનહરીફ વિજેતા જાહેર થયા છે જ્યારે વોર્ડ નં.રમાં ભાજપની ટિકિટ ઉપર સમિનાબેન આસીફભાઈ સાંધ વિજેતા જાહેર થયા છે.

વિસાવદર તા.પં.ની મોણિયા બેઠક પર કોંગ્રેસનાં ડોબરિયાની જીત

જૂનાગઢ,તા.ર૩
વિસાવદર તાલુકા પંચાયતની ૧ર મોણિયા બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જયાબેન કિશોરભાઈ ડોબરિયા ૧૭૧૮ મત મેળવીને તેમના નીકટતમ પ્રતિસ્પર્ધી ભાજપના વિપુલભાઈ સોજીત્રાને હરાવીને વિજેતા બન્યા છે. વિપુલભાઈ સોજીત્રાને ૧૪૪ર મત મળ્યા છે.
જૂનાગઢ તા.પં.ની. સુખપુર બેઠક ઉપર ભાજપના હિરપરાનો વિજય
જૂનાગઢ તાલુકા પંચાયતની ૧૬ સુખપુર બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષભાઈ હિરપરાનો વિજય થયો છે. મનિષભાઈ હિરપરાને ૧૮૬પ મત મળ્યા હતા જ્યારે તેમના નિકટના પ્રતસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઈ ગજેરાને માત્ર પ૪પ મત મળ્યા હતા.
જિલ્લા પંચાયતની વડાલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા
જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ વડાલ બિનઅનામત સામાન્ય બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ વરડેશિયા ૬૭૮૬ મત મેળવીને વિજેતા જાહેર થાય છે. તેમણે તેમના નિકટના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સંદીપભાઈ કડવાભાઈ દોમડિયાને હરાવ્યા છે. સંદીપભાઈને ૩૮૮૬ મત મળ્યા છે.