જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢમાં નવાબીકાળમાં બંધાયેલ વિશિષ્ટ ઈજનેરી કૌશલ્ય ધરાવતા બાંધકામ પૈકીની સિવિલ હોસ્પિટલ અને ઝનાના હોસ્પિટલની નમૂનેદાર ઈતિહાસની ધરોહર ધરાવતી ઈમારતને જાળવી ઈતિહાસને જીવંત રાખવાના આશયથી આ સરકારી હોસ્પિટલને તાળા મારીને મેડિકલ કોલેજમાં ખસેડવાના નિર્ણયનો ખલ્કેઈલાહી ન્યાય પરિષદે વિરોધ કર્યો છે. કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે પ્રત્યેક મહાનગરમાં એક સિવિલ હોસ્પિટલ કાર્યરત હોય છે. શહેરમાં મેડિકલ કોલેજ ઉપરાંત આવી સરકારી હોસ્પિટલમાં કાર્યરત હોય છે. ત્યારે જૂનાગઢમાં પણ આવું કેમ નહીં ? બીજી તરફ જિલ્લામાં એક પણ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ નથી ત્યારે લોકોમાં માંગ ઊઠી છે કે સિવિલ સર્જનની મહત્ત્વની પોસ્ટનું શું થશે ? આ અધિકારીએ જ વી.આઈ.પી.ની સારવાર, દવાના જથ્થા, સર્જરીની વસ્તુઓની સામગ્રી વગેરેની વ્યવસ્થા કરવાની હોય છે. તે કોણ કરશે ? ખરેખર વિકાસ ગાંડો થયો છે. એટલે જ ભાજપા દ્વારા આવા તઘલખી નિર્ણય લેવામાં આવે છે. એની પાછળ સરકારની મેલી મુરાદ દેખાય છે. રાજ્યમાં વિસ્તારની દૃષ્ટિએ પણ બીજા નંબરની સૌથ મોટી જૂનાગઢની સરકારી હોસ્પિટલને તાળા મારીને ખાનગીકરણ કરવા ભાજપાની આ સરકાર ઈચ્છે છે ? વર્તમાન હોસ્પિટલ બંધ થવાથી શહેરના ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે. માટે આ સિવિલ હોસ્પિટલને કાયમી ધોરણે કાર્યરત રાખવા અને નવી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. જેવી આ સરકારી હોસ્પિટલને ખસેડવાના નિર્ણયને મોકૂફ રાખવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યો માર્ગ જનઆંદોલન છેડવામાં આવશે તેમ પરિષદના અધ્યક્ષ યુસુફ મલેકે જણાવ્યું છે.