(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૦
જૂનાગઢના માંગનાથ રોડ ઉપર મનપાની દબાણ ટીમ લારી, ગલ્લા, પાથરણા, ઓટલા, છાપરા, સાઈન બોર્ડ, લટકતા શો પીસ વગેરે દૂર કરવા માટે પહોંચી હતી. જો કે દબાણ દૂર કરવાના નામે જો હુકમી થતા માંગનાથના વેપારીઓ વિફર્યા હતા. કેટલાક વેપારીઓ અને દબાણની ટીમના સભ્યો વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ હતી. જેના કારણે વેપારીઓ અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ વધે તેવો સંજોગ થતા વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતા જોત જોતામાં તમામ વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને દબાણની ટીમના સભ્યોએ દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી દુકાનોના શટર પાડી દીધા હતા. વેપારીઓએ રોષભેર જણાવ્યું હતું કે, શાંતિથી વેપારી કરતા વેપારીઓને જ છાશવારે હેરાન પરેશાન કરવામાં આવે છે. મહિનામાં એકાદ વખત આવીને આવી શો બાજી કરી વેપારીઓ ઉપર રોફ જમાવે છે. રસ્તામાં રેકડી, લારી-ગલ્લા, પાથરણાવાળાને દુર કરવાને બદલે અમારી દુકાનોમાં લટકાવેલ સાડી, સેમ્પલ પીસ અને સ્ટેચ્યુ નડે છે ? વારંવાર આવીને દાદાગીરી, ગુંડાગીરી કરે છે. એક વેપારીએ તો કહ્યું કે ત્યાં સુધી ધમકી આપી કે આજે તો ડ્યુટી ઉપર છીએ કાલે તમને પર્સનલ આવીને જોઈ લઈશું. આવી ધમકી દબાણ ટીમના સભ્યોએ આપી હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ દુકાનો બંધ કરી મનપા કચેરી ખાતે દોડી ગયા હતા અને આસિ.કમિશનર જયેશ વાજાને રજૂઆત કરી હતી. જયેશ વાજાએ આ મામલે તપાસ કરવા તેમજ જરૂરી સૂચના આપવાની અને હવે આવું નહીં થાય તેવી ખાત્રી આપવા સાથે વેપારીઓને પણ દબાણમાં દુર કરવાની કામગીરીમાં સાથ આપવા જણાવ્યું હતું. બાદમાં મામલો શાંત પડતા તમામ વેપારીઓ પરત ફર્યા હતા અને દુકાનો ફરી ખુલી ગઈ હતી.