(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૧૮
જૂનાગઢ માહનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસ, મટન માર્કેટ છેલ્લા ૧પ દિવસથી બંધ કરી દેવામાં આવેલ છે. જેને કારણે પ૦૦થી વધુ કુટુંબોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે તેટલું જ નહીં ગતરોજથી મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ શરૂ થયો હોય શહેરીજનોને બાનમાં લેવા જેવી તંત્રની આ નીતિ સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે. મુસ્લિમ સમાજને તહેવાર ટાણે જરૂરી મટન ન મળતા ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. ગત તા. ૩ મેથી જૂનાગઢ શહેરમાં મટન માર્કેટ કતલખાનું બંધ છે. આ બાબતે જૂનાગઢ શહેરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટર મ્યુનિ. કમિશનર, પ્રદૂષણ બોર્ડ અને આઈજીપીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ના છૂટકે મુસ્લિમ આગેવાનોએ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવતા આજે સાંજે પ કલાકે શહેરના ભરચક્ક ગાંધીચોક, વંથલી દરવાજા વિસ્તારમાં ચક્કાજામ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મુસ્લિમ આગેવાન અને કોર્પોરેટર હુસેનભાઈ હાલા, અદ્રેમાન પંજા, અશરફ થઈમ, શફીભાઈ સોરઠિયા, સાકીરભાઈ બેલીમ, કુદુસ મુન્શી, સીદીક કસીરી વગેરેએ એવું જણાવ્યું હતું કે છેલ્લા ૧પ દિવસથી કલેક્ટર કચેરી, કોર્પોરેશન, આઈજી ઓફિસ અને પ્રદૂષણ બોર્ડની ઓફિસ વચ્ચે આ સમગ્ર પ્રશ્નને ટલ્લે ચઢાવવામાં આવ્યો છે અને આવશ્યક સેવા સમાન આ પ્રશ્ન પ્રત્યે તંત્ર ગંભીરતાપૂર્વક ધ્યાન આપતું નથી. રમઝાન વેળા જ આહાર અધિકાર ઉપર તપાસને લઈ હજી ઉગ્ર કાર્યક્રમો યોજાશે. કલેક્ટર તેમજ કમિશનર દ્વારા આ પ્રશ્ને જ્યાં સુધી ઈટીપી (એફીલીયન્ટ ટ્રીટમેન્ટ પ્લાનટ)નું નિર્માણ ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે મટન માર્કેટ અને કતલખાનું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તેવા મતલબનો પત્ર ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડને લખ્યો છે પરંતુ પ્રદૂષણ બોર્ડના સત્તાવાળાઓ આ પ્રશ્ને માનવીય કે પ્રજાકીય અભિગમ અપનાવવાના બદલે જડવલણ અપનાવતા ગંભીર પ્રશ્ન સર્જાયો છે.
અગાઉની જેમ વચગાળાની મંજૂરી આપવામાં આવે તો હાલમાં રમઝાન માસ ચાલુ હોય મુસ્લિમ બિરાદરોને તેમજ આ વ્યવસાય ઉપર નભતા પ૦૦ કુટુંબોની રોજીરોટીનો જે ગંભીર પ્રશ્ન સર્જાયો છે તનો ઉકેલ આવે તેવી માગણી સાથે મુસ્લિમ આગેવાનો, કસાઈ જમાતના વેપારીઓ વગેરેએ ચક્કાજામ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. હજુ વધુ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શનો કરવાનો લોક સૂર ઉઠ્યો છે. આમ જો આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કોર્પોરેટર અને મુસ્લિમ આગેવાનોના આજના ચક્કાજામના કાર્યક્રમ દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષ કેપ્ટન, મનોજ જોષી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમોની વ્યાજબી માગણીઓને સમર્થન વ્યક્ત કર્યું હતું. ચક્કાજામના કાર્યક્રમ દરમ્યાન પીઆઈ પી.એન.ગામેતી, પીએસઆઈ કે.વી. મંજુવા સહિતના પોલીસ તેમજ ટ્રાફિક સ્ટાફે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી.