(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૯
જૂનાગઢમાં એક પરિણીતાએ ઝેરી દવા પીધા બાદ તે અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. આ ફરિયાદ સંદર્ભે પરિણીતાના પતિને હેરાન ન કરવા સબબ બે મહિલા કોન્સ્ટેબલોએ લાંચની માગણી કરતા, એસીબીએ છટકું ગોઠવી અને મહિલા કોન્સ.ને રંગેહાથ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના ધારાનગરમાં રહેતી એક મહિલાએ થોડા દિવસો પહેલાં પતિના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. આ બાબતે પત્નીએ તેના પતિ અનવર ગુલાબ સામે આઈપીસી કલમ ૪૯૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ચાર્જશીટ કરવામાં આવી હતી પરંતુ તે કેસમાં પતિને હેરાન ન કરવા જૂનાગઢ મહિલા પોલીસ મથકના એએસઆઈ રસીલાબેન નરશીભાઈ સોલંકીએ રૂા.રપ૦૦ની લાંચ માંગી હતી.
આ અંગે મહિલાના પતિ અનવર ગુલાબ એસીબીને જાણ કરતા ડીવાયએસપી કે.એચ. ગોહિલની દેખરેખ હેઠળ ભાવનગર એસીબી પીઆઈ ઝાકીર હુસેન જી.ચૌહાણ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું અને ગઈકાલે સાંજે મહિલા પોલીસ મથકમાં હેડ કોન્સ. રેખાબેન પોલાભાઈ ચૌહાણને રૂા.રપ૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. રેખાબેન ચૌહાણે આ રકમ રસીલાબેનના કહેવાથી સ્વીકારી હોવાનું જણાવતાં એસીબીએ બન્ને મહિલા પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.