(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.રપ
જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્ને શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ હતી. આ ઉપરાંત અનેક રજૂઆતો પણ થઈ હતી. મહાનગરપાલિકા પાસે આવકનાં સ્ત્રોત ઓછા હોય અને આવક ઓછી હોવાનું દર્શાવી વિકાસ કામો તેમજ કર્મચારીઓના પ્રશ્ને કોઈ યોગ્ય નિર્ણય લેવાતા નથી. તો બીજી તરફ કેટલીવાર સરકારની ગાઈડલાઈન હોવા છતાં પણ તેને એક તરફ કરી દેવામાં આવે છે. આવું જ આજે બન્યું છે ટાઉન પ્લાનિંગ અંતર્ગત સરકારનો એવો પરિપત્ર છે કે બાંધકામ માટેની મંજૂરી માટે પ્રતિ ચોરસ મીટરમાં રૂા.૩૦૦ નક્કી થયેલા છે. પરંતુ આજની આ બેઠકમાં ફીને ઘટાડી નાખવામાં આવી છે અને રૂા.૩૦ પ્રતિ ચોરસ મીટરના કરી નાખવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે.
આ બેઠકમાં મનપાના મેયર આદ્યશક્તિબેન મજમુદાર, કમિશનર સોલંકી તેમજ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ શાસકપક્ષના પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સતિષ વિરડા અને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આજની આ બેઠકનો રંગ કંઈક અલગ જ હતો અને પ્રજાકીય પ્રશ્ને વિપક્ષે આકરી રમાઝટી બોલાવી હતી. ખાસ કરીને તાજેતરમાં જ ગૌશાળામાં મૂંગા પશુઓને મોકલવાનો બનાવ અને આ ગૌશાળામાં સંખ્યાબંધ પશુઓના મૃત્યું થયાના બનાવને લઈને આકરી પસ્તાળ પાડી હતી. જૂનાગઢ શહેરમાં ૧થી ર૦ વોર્ડમાં ઠેર-ઠેર ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે. કાર્ય પુરૂ થતું હોય ત્યાં ખાડા પુરાતા નથી. તે પ્રશ્ને દેકારો બોલાવ્યો હતો. વિપક્ષી નેતા સતિષ વિરડાએ આ મુદ્દો ઉઠાવી અને જવાબદારો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી અને ગંભીર ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. તો આ તકે ડે.મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે ગાયોના મૃત્યુ અને ગૌશાળા પ્રશ્ને કોઈને પણ છોડવામાં નહીં આવે. ચમરબંધી હોય તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટર વિજયભાઈ વોરાએ ઉપરકોટ ખાતે આવેલા તળાવો ઘણા સમય થયા સાફસફાઈ થઈ નથી. જેને કારણે નળના પાણીમાં શંખ અને માછલા આવતા હોય જેથી તાત્કાલિક અસરથી આ એક પછી એક તળાવોને સાફ કરવાની માગણી સાથે રજૂઆત કરી હતી. આ તકે વોટર વર્કસ વિભાગના અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે સાથ સહકાર અપેક્ષા રાખી અને તળાવ સાફ કરવા અંગેનો નિર્દેશ આપ્યો હતો. આજની બોર્ડની આ કાર્યવાહી દરમ્યાન પ્રજાકીય વિવિધ પ્રશ્નો અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્ને આકરો મિજાજ દર્શાવ્યો હતો.