જૂનાગઢ, તા.૧૩
જૂનાગઢ શહેરમાં તળાવ દરવાજા રોડનું નામ અગાઉ મહર્ષિ અરવિંદ માર્ગ અને ત્યારબાદ મહેશ અજમેરા માર્ગ અપાઈ ગયું છે પરંતુ હવે ફરીથી ભજનીક પ્રાણલાલ વ્યાસના નામે નામકરણ કરવાની ચેષ્ટા થઈ રહી છે. હાલ આ રોડના નામને બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ કામગીરી કરવાથી વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. દરમિયાન આ બાબતે જગત કે.અજમેરાએ જૂનાગઢ મનપા કમિશનરને એક પત્ર પાઠવી યોગ્ય કરવાની માગણી કરેલ છે. જગત અજમેરાએ કમિશનરને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જણાવેલ છે કે આગામી તા.૧૪ના રોજ તળાવ દરવાજા રોડનું નવું નામકરણ આપવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં જૂનાગઢના ભજનીક સ્વ.પ્રાણલાલ વ્યાસના નામ સાથે જોડવા નક્કી કરવામાં આવેલ છે. તેમ જણાવી વધુમાં જગત અજમેરાએ જણાવેલ છે કે આ રોડનું નામ ૧૯૯૦માં સ્વ. મહેશભાઈ અજમેરાનાં નામ સાથે જોડવામાં આવેલ છે ત્યારે આજ રોડનું નામ રાતોરાત બીજી વ્યક્તિનાં નામ સાથે કઈ રીતે જોડી શકાય ? તેવો સવાલ ઉઠાવેલ છે આમ કરવા જતાં સ્વ. મહેશ અજમેરા પરિવારનું અપમાન થશે અને સ્વ.પ્રાણલાલ વ્યાસનાં પરિવારને પણ નીચા જોણું થશે. જે કોઈપણ રીતે યોગ્ય નિયમ મુજબ નથી. તેથી નવા નામકરણની પ્રક્રિયાને મોકૂફ રાખવા માગણી કરી છે.