માંગરોળ, તા.૨૯
માંગરોળની એક શાળાને પ્રવાસ દરમિયાન ટ્રાવેલ્સ કંપનીનો કડવો અનુભવ થયો છે. પ્રવાસ દરમ્યાન આપવાની નક્કી કરાયેલી રકમ ચૂકવવામાં આવી હોવા છતા પ્રવાસ પૂર્ણ થયે આપવાની થતી રકમની પણ ટુર મેનેજરે માંગણી કરી પ્રવાસ અધવચ્ચે અમદાવાદથી અધુરો મૂકી બસ રવાના થઈ જતા શાળાના ટ્રસ્ટીએ અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરની નેચરલ એજયુકેશન એકેડમી દ્વારા ૩૮ બાળકો અને ૭ શિક્ષકો સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની એક ટ્રાવેલ્સ એજન્ટ સાથે પ્રવાસના પેકેજ બુકિંગ મુજબ ૭ રાત અને ૮ દિવસના પ્રવાસ માટે સ્લીપર કોચ તેમજ દિવસ દરમ્યાન નાસ્તો, બે ટાઈમ જમવાનું તેમજ રહેવાની સુવિધા સાથે ૧.૭૫ લાખનું પેકેજ નક્કી થયું હતું. જે પૈકી ૨૫ હજાર તે દિવસે જ ચૂકવાયા હતા. પ્રવાસ દરમ્યાન શ્રી નાથ ટ્રાવેલ્સ જૂનાગઢના ટુર મેનેજરે પૈસાની માગણી કરતા અનુક્રમે ૨૦,૩૦ અને ૧૦ હજાર મળી ૬૦ હજાર ચુકવાયા હતા.ત્યારબાદ પ્રવાસ લોનાવાલા હતો એ સમયે શ્રી નાથ ટ્રાવેલ્સ જૂનાગઢના ટુર મેનેજરે “ડીઝલના ૧૦,૦૦૦ આપો, નહીંતર ગાડી આગળ જશે નહીં” તેમ જણાવ્યું હતું. પ્રવાસ દરમિયાન નક્કી થયેલ ૧.૫૦ લાખને બદલે ૧.૫૫ લાખ ચૂકવવા છતાં પૈસાની માગણી થતાં શિક્ષકોએ ટ્રસ્ટીને જાણ કરી હતી.આખરે રકઝકના અંતે ડીઝલના ૫,૦૦૦/-આપતા બસ અમદાવાદ આવવા રવાના થઈ હતી. પરંતુ તા.૨૬ના અમદાવાદ ખાતે પહોંચી ટ્રાવેલ મેનેજરે ફરીથી ૧૫ હજારની માંગણી કરી હતી તેથી પ્રિન્સપાલએ પ્રવાસ દરમ્યાન નક્કી થયેલ રકમ કરતાં દસ હજાર વધુ ચુકવી દીધા હોવાનું જણાવી પૈસા ન હોવાનું કહી બાકી રહેતા પૈસા પ્રવાસ પુણઁ થયે આપી દેવા કહ્યું હતું. પરંતુ ટુર મેનેજરે પોતાની જ વાત પકડી રાખતા પ્રિન્સપાલએ ટ્રાવેલ્સ સંચાલકો સાથે વાત કરી હતી. દરમિયાન ટુર મેનેજરે બસ ખાલી કરાવી,પ્રવાસ પડતો મુકી ચાલ્યા ગયા હતા. પરિણામે બાળકો શાળાના ટ્રસ્ટી અનુરાગ મધુસુદનભાઈ વાજાએ ટ્રાવેલ્સ સંચાલક,ટુર મેનેજર સહિત ત્રણ વિરૂદ્ધ અમદાવાદ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.