અમદાવાદ, તા.૩૦
જૂનાગઢ એસીબીના પીઆઈ રૂા.૧૮ લાખની લાંચ લેતા ખૂદ એસીબીના છટકામાં જ ઝડપાઈ ગયા હતા, ત્યારે જો કોઈએ પીઆઈને લાંચ આપી હોય તો એસીબીને જાણ કરવા જણાવાયું હતું, ત્યારે ભોગ બનેલા એક ડૉક્ટરે હિંમત કરી આગળ આવી ભ્રષ્ટ પીઆઈ વિરૂદ્ધ રૂા.૧પ લાખની લાંચની ફરિયાદ કરી છે, ત્યારે એસીબીએ ભ્રષ્ટાચારમાં રાચતા જૂનાગઢના પીઆઈ ડી.ડી. ચાવડાની સામે વધુ એક રૂા.૧પ લાખની લાંચનો ગુનો નોંધ્યો છે. જૂનાગઢ એસીબી પીઆઇ ડી.ડી. ચાવડા વિરૂદ્ધ જૂનાગઢ એસીબીમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીઆઇ ચાવડાએ જૂનાગઢમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર અને તેના મિત્ર પાસેથી ૧૫ લાખની લાંચની રકમ માંગી હતી. આ અંગેનો ગુનો ફરિયાદી ડોક્ટરે જૂનાગઢ એસીબીમાં નોંધાવ્યો છે, જેને પગલે ચાવડાની મુશ્કેલી વધી છે. તાજેતરમાં જ એસીબીના અમદાવાદ આવેલા પીઆઇ ડી.ડી.ચાવડાને રૂ.૧૮ લાખની લાંચ પ્રસાદના ડબ્બામાં લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ કામના ફરિયાદી ડોક્ટર અને તેના મિત્ર જૂનાગઢ ખાતે હોસ્પિટલ ચલાવતા હોઇ આ હોસ્પિટલ રહેણાંક વિસ્તારમાં હોય આ અંગે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેની કોર્ટ કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન ખાનગી વ્યક્તિ દ્વારા તેઓની વિરૂદ્ધ જૂનાગઢમાં હોસ્પિટલના બાંધકામ તથા વપરાશ સંબંધિત જુદી જુદી અરજીઓ થઇ હતી. આથી ચાવડાએ ડોક્ટરનો સંપર્ક કરી આ અરજીની તપાસ પોતાની પાસે હોવાનું જણાવી ફરિયાદી ડોક્ટર પાસેથી રૂ.૧૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ તેઓ તોપના નાળચા ઉપર બેઠેલા હોવાનું અને હું ઉડાડીશ એટલે બધાને અસર થશે તેવો વોટ્‌સઅપ કોલ કરી ધમકી આપી હતી. ચાવડાએ ફરિયાદી ડોક્ટરનો ટેલિફોનથી સંપર્ક કરી અને સંબંધિત કાગળો સાથે પોતાની ઓફિસે બોલાવ્યા હતા. ત્યારે ચાવડાએ ડોક્ટરને જણાવ્યું હતું કે, રેસીડેન્સીયલ વિસ્તારમાં કોમર્શીયલ ન કરી શકાય. જેથી ૨૦થી ૨૨ વ્યક્તિને નુકસાન થશે. તમે ડોક્ટરનું એસોસીએશન બનાવી ફંડ એકત્ર કરી તે પૈકી રૂ.૧૫ લાખ લાંચ પોતાને આપવાનું કહ્યું હતું. ચાવડા વિરૂદ્ધ રૂ.૧૮ લાખની લાંચનો ગુનો તાજેતરમાં દાખલ થયાનુ સામે આવતાં આ ડોક્ટરને પણ ફરિયાદ કરવાની હિંમત થતા ચાવડા વિરૂદ્ધ જૂનાગઢ એસીબીમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેની તપાસ રાજકોટ એસીબીને સોંપવામાં આવી છે.