જૂનાગઢ,તા.ર૯
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતી અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મીની ઘાતકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. મિલકત માટે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. આ બનાવ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કિરણબેન જોષીની આજે સવારે તેમનાં ઘરમાં જ ઘાતકી રીતે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કિરણબેન જોષી તેનાં ઘરમાં જ લોહીનાં ખાબોચિયામાં પડ્યા હતા. હત્યા કરનારે તિક્ષ્ણ હથિયાર વડે માથા તેમજ પેટનાં ભાગે ગંભીર ઈજા પહોંચાડતા કિરણબેન જોષી મોતને ભેટ્યા હતા. આ બનાવમાં પ્રાથમિક તારણ મુજબ મિલકત માટે હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. હાલ તો જૂનાગઢ સી ડિવિઝન પોલીસે મૃતક મહિલાના પતિ, સાસુ સહિતના પાંચ લોકો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જૂનાગઢ શહેરમાં મહિલા એએસઆઈની હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલા ભાજપની એક પદાધિકારી મહિલાની બહેન હોવાનું ચર્ચાય છે.