(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૮
ગત વર્ષે ૮ નવેમ્બર ર૦૧૬ના રાત્રીના ૮ વાગ્યાના સમયે કેન્દ્ર સરકાર દ્વારા રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને લોકોએ ભારે પરેશાનીનો સમયગાળો વિતાવ્યો હતો. આજે નોટબંધીના આ કાળા કાયદાને ૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ દ્વારા આજે નોટબંધી મુદ્દે કાળો દિવસ મનાવવામાં આવેલો. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા પણ આજે આઝાદચોકમાં શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૂત્રોચ્ચાર દ્વારા અને કાળી પટ્ટી તેમજ કાળા વસ્ત્રો ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્લેકાર્ડ હાથમાં રાખવામાં આવેલ હતા તેમજ રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની જૂની નોટો રાખવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા સતિષે તીવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે નોટબંધીના કાળા કાયદાના કારણે દેશને પાંચ લાખ કરોડનું નુકસાન પહોંચ્યું છે તેમ જણાવ્યું હતું.
નોટબંધી પહેલાં ભાજપે તેમનો તમામ કાર્યકર્તાઓને કહી દીધું હતું કે તમે જમીનો ખરીદી લે જેના કારણે આજે ભાજપના ઠેક ઠેકાણે નવા કાર્યાલયો ખુલી ગયા છે તેવો પણ આક્ષેપ કર્યો હતો. આજે જૂનાગઢમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાળા ધન વિરોધી દિવસનો સહિ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે તે અંગે શું કહેશો ? તેવા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અગાઉ પણ સભ્ય બનાવવાની સહી ઝુંબેશ હાથ ધરાઈ હતી અને આજે ફરીવાર આ સહી ઝુંબેશ ચાલે છે તે ખોટી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સભ્યોના નામે ખોટા ભંડોળ દર્શાવી ભાજપની તિજોરી કાળા નાણાંથી ભરવાનો પેતરો રચાયો છે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષભાઈ કાંતિભાઈ બોરડ, કેશુભાઈ ઓડેદરા, મહિલા કોંગ્રેસના અગ્રણીઓ કૈલાશબેન વેગડા, કોર્પોરેટરો, પદાધિકારીઓ તેમજ મહિલા કોંગ્રેસના કાર્યકતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવા આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો.
જૂનાગઢ : નોટબંધીની વરસી નિમિત્તે કોંગ્રેસે મનાવ્યો ‘કાળો દિવસ’’

Recent Comments