જૂનાગઢ, તા.૩
જૂનાગઢમાં લુખ્ખા માથાભારે તત્ત્વોના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આવા લુખ્ખા તત્ત્વોની ધાકધમકી તથા લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ દ્વારા કોઈ જ પગલાં ન ભરાતા એકતા વેપારી મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અસરકારક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.બનાવની વિગત અનુસાર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી માથાભારે શખ્સો દ્વારા વેપારીઓને ધાકધમકી, લૂંટ ચલાવવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વેપારી મંડળના સભ્ય સલીમભાઈ ગડરની રોયલ ફૂટવેર નામની દુકાનમાં હૈદરબાપુ, રિયાઝ તથા અન્ય માથાભારે શખ્સો તેમની પાસે આવી ધાકધમકી આપી માલની લૂંટ કરી જતા આ અંગે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ અસરકારક પગલાં ન ભરાતા આવા લુખ્ખા તત્ત્વોને મોકળું મેદાન મળી ગયું છે. જેમાં તા.૧-૧૦-૧૮ના રોજ ફરીથી આ લુખ્ખા તત્ત્વોએ આવી માથાકૂટ કરી તેમનો માલ લૂંટી જતાં પોલીસ ફરિયાદ નોંધાવતા જેની અદાવત રાખી ગત રોજ તેમના પર છરીથી હુમલો કરી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત તેમના પરિવારને ધાક-ધમકી આપી હતી. જે ઘટના તેમના સીસીટીવી કેમેરામાં કેદ છે. તેમ છતાં તેમની ફરિયાદ લેતી વખતે તેમજ હોસ્પિટલમાં નિવેદન લેતી વખતે પોલીસ અધિકારીનું વર્તન યોગ્ય ન લાગતાં એકતા વેપારી મંડળ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી. આ બાબતે યોગ્ય તપાસ કરી અસરકારક પગલાં ભરવા અનુરોધ કર્યો છે. જેથી ભવિષ્યમાં આવા બનતા બનાવો અટકાવી શકાય. ઉપરાંત આ વિસ્તારમાં દારૂ, જુગાર, દાદાગીરી, ધાકધમકી જેવી ઘટનાઓ વારંવાર બનતી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અંગે નક્કર પગલાં ભરી આ વિસ્તારને આવા લુખ્ખા તત્ત્વોના બાનમાંથી છૂટકારો આપવા માંગ કરી છે.
જૂનાગઢમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસઃ વેપારીને ધાકધમકી આપી માલની લૂંટ કરાઈ

Recent Comments