(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૧
જામનગરના વિન્ડ મીલના ઢાળિયા પાસે એક યુવતી પર અગાઉના મન-દુઃખના કારણે એક મહિલા સહિત છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ વેળાએ વચ્ચે પડનાર તે યુવતીના મોટાબાપુને મરણતોલ માર પડતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જામનગરના બેડીના થરીપાડામાં રહેતા ખેરૂનબેન સુલેમાનભાઈ સોઢા અને અન્ય એક યુવતી મંગળવારની સાંજે સાતેક વાગ્યે વિન્ડ મીલ નજીકના ઢાળિયા પાસેથી પરત ફરતા હતા ત્યારે માર્ગમાં કાસમ જાફર ડેર અને અન્ય શખ્સોએ તેઓને આંતરી લીધા હતા. અગાઉની માથાકૂટના કારણે ખેરૃનબેન પર કાસમ અને તેની સાથે રહેલા હારૃન જાફર, ડાડો જાફર, ફારૃક જાફર, અબ્બાસ જાફર, કરીમાબેન જાફરએ ઢીકાપાટુ વરસાવ્યા હતા. આ વેળાએ વચ્ચે પડનાર ખેરૃનબેનના મોટાબાપુ નુરમામદ વલીમામદ સોઢાને પણ મરણતોલ માર મારવામાં આવ્યો હતો. ત્યાર પછી કાસમ સહિતના છએય આરોપીઓ નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મોડીરાત્રે નુરમામદ સોઢાનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે. દોડી ગયેલા બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.બી. ગોહિલે ખેરૃનબેન વલીમામદની ફરિયાદ પરથી આઈપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯ હેઠળ ગુન્હો નોંધી નાસી છૂટેલા મહિલા સહિતના છએય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.