(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૮
રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે વધુ કડક અભિગમ અપનાવવા સરકાર આગળ વધી રહી છે. શાળાઓમાં ભણતા બાળકોના આરોગ્યને લઈ સરકાર એક ખાસ આયોજન કરવા જઈ રહી છે જેનાથી બાળકોનું આરોગ્ય જળવાય. શાળાઓની આસપાસના વિસ્તારમાં બાળકોના આરોગ્યને નુકસાન કરતું જંકફૂડ વેચવા પર પ્રતિબંધ મૂકવા સાથે તેઓને હેલ્ધી ફૂડ પ્રાપ્ત થાય તે અંગેનું આયોજન કરવા એક ડ્રાફટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરની શાળાઓના આસપાસના પ૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો ઘડી કાઢનારા આ ડ્રાફટમાં શાળાના બાળકોના આરોગ્ય માટે ખાસ ચિંતા કરવામાં આવી છે. સ્વસ્થ ભારતના નિર્માણના આયોજનના ભાગરૂપે તૈયાર કરાઈ રહેલ આ ડ્રાફટમાં શાળાઓની આસપાસ તમામ પ્રકારના જંકફૂડના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવાનું સૂચવવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનું જંકફૂડ શાળાઓની આસપાસ ન વેચાય તેનો ખાસ આગ્રહ કરવા સાથે તેને બદલે બાળકોને હેલ્ધી ફૂડ મળી રહે તેનું વેચાણ થાય તેવા પ્રયાસો કરવાનું સૂચવવામાં આવ્યું છે. શાળાઓની આસપાસના પ૦ મીટર વિસ્તારમાં બાળકો માટેના ફૂડ અંગેનો ડ્રાફટ સરકાર દ્વારા આ માસમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ ડ્રાફટ અંગે સરકાર તરફથી શાળાઓ, વેપારીઓ તથા ગ્રાહકો વગેરેના અભિપ્રાય માંગવામાં આવ્યા છે. આ અભિપ્રાયો આવ્યા બાદ ડ્રાફટને આખરી ઓપ આપી કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયમાં જરૂરી મંજૂરી સર્વે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવશે તેવી વિગતો ખાસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ રાજ્યભરની શાળાઓના આસપાસના પ૦ મીટરના વિસ્તારમાં આ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં આવી શકશે.