નવી દિલ્હી,તા.ર૪
સુપ્રીમ કોર્ટના જજ એ.કે. સિકરી સીબીઆઈના વચગાળાના વડા એમ.નાગેશ્વર રાવની નિમણૂકને પડકારતી અરજીની સુનાવણીમાંથી અલગ થયા હતા. જજ સિકરીએ અરજીની સુનાવણી શુક્રવારે અન્ય બેંચ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. જજ સિકરી એ પસંદગી પેનલના ભાગ હતા જેમણે આલોક વર્માને બરતરફ કરી એમ. નાગેશ્વરને કાર્યકારી વડા તરીકે નિમણૂક આપી હતી.
જયારે અરજી સિકરીની બેંચ સમક્ષ રજૂ કરાઈ ત્યારે એમણે અરજદારના વકીલ દુષ્યંત દવેને કહ્યું કે હું આ કેસની સુનાવણી નહીં કરી શકુ, હું પોતે આ કેસથી અલગ થઈ રહ્યો છું. વકીલ દુષ્યંત દવેએ જજ સિકરીને અરજીની સુનાવણી કરવા વિનંતી કરી પણ એમણે સ્વીકારી ન હતી. આ વખતે સરકાર તરફે એટોર્ની જનરલ વેણુગોપાલ પણ હાજર હતા. એમણે પણ વિનંતી કરી હતી. સોમવારે આ કેસની સુનાવણીમાંથી સીજેઆઈ અલગ થયા હતા. એમણે કારણ આપતા જણાવ્યું હતું કે આગામી વડાની પસંદગી પેનલના સભ્ય થવાના છે. એ માટે અલગ થઈ રહ્યા છે. પણ સિકરીએ કોઈ સ્પષ્ટ કારણો જણાવ્યા ન હતા. અરજીમાં માગણી કરાઈ હતી કે સીબીઆઈના વડાની નિમણૂક કરતી વખતે કાયદામાં જણાવેલ જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. એમણે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલાની પેનલે એમ.નાગેશ્વર રાવની નિમણૂક દરમ્યાન કાયદાની જોગવાઈઓનું અમલ કર્યું ન હતું. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે નિમણૂક પ્રક્રિયામાં પારદર્શિતતા હોવી જોઈએ. પસંદગીની મીટિંગમાં થયેલ નિર્ણયો અને પ્રક્રિયાને જાહેર કરવો જોઈએ અન્યથા નિમણૂક બાબત શંકાઓ ઉભી થાય છે.