(એજન્સી) અમદાવાદ, તા.૧૫
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે ‘અસહમતી’ને લોકશાહીનું ‘સેફ્ટી વાલ્વ’ ગણાવતા શનિવારે જણાવ્યું હતું કે, અસહમતીને ધરમૂળથી રાષ્ટ્રવિરોધી અને લોકશાહી વિરોધી ગણાવી દેવી બંધારણીય મૂલ્યોના સંરક્ષણ અને વિચાર-વિમર્શ કરનારી લોકશાહીને પ્રોત્સાહન આપવા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાના મૂળ વિચાર પર ઘા સમાન છે. જસ્ટિસ ચંદ્રચૂડે અમદાવાદમાં એક વ્યાખ્યાન દરમિયાન જણાવ્યું હતું કે, અસહમતી પર અંકુશ લગાવવા માટે સરકારી તંત્રનો ઉપયોગ ડરની ભાવના પેદા કરે છે જે કાયદાના શાસનનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, અસહમતીને એક ઝાટકે રાષ્ટ્રવિરોધી અને લોકશાહી વિરોધી ગણાવી દેવી એ બંધારણીય મૂલ્યોના સંરક્ષણ તથા વિચાર-વિમર્શ કરનારી લોકશાહીને પ્રોત્સાહન આપવાના દેશની પ્રતિબદ્ધતાની મૂળ ભાવના પર હુમલો છે. જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, અસહમતીનું સંરક્ષણ કરવું એ યાદ અપાવે છે કે, લોકશાહી રીતે એક ચૂંટાયેલી સરકાર અમને વિકાસ તથા સામાજિક સમન્વય માટે ન્યાયોચિત હથિયાર પ્રદાન કરે છે, તે મૂલ્યો તથા ઓળખો પર ક્યારેય એકાધિકારનો દાવો કરી શકતી નથી જે આપણા અનેકતાવાદી સમાજની ઓળખ આપે છે. તેમણે અમદાવાદમાં આયોજિત ૧૫મા જસ્ટિસ પી.ડી. દેસાઇ સ્મારક વ્યાખ્યાન ‘ભારતને નિર્મિત કરનારા મતોઃ અનેકતાથી અનેકતાવાદ સુધી’ વિષય પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અસમહતી પર અંકુશ લગાવવા માટે સરકારી મશીનરીને કામે લગાવવી ડરની ભાવના પેદા કરે છે અને સ્વતંત્ર શાંતિ પર ભયાનક માહોલ ઊભો કરે છે જે કાયદાના શાસનનું ઉલ્લંઘન કરે છે અને અનેકતાવાદી સમાજની બંધારણીય દષ્ટિથી ધ્યાન ભટકાવે છે. જસ્ટિસ ચંદ્રચૂડની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(એનઆરસી)એ દેશના અનેક ભાગોમાં વ્યાપક પ્રદર્શનોને જન્મ આપ્યો છે. જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું કે, સવાલ કરવાની શક્યતાને સમાપ્ત કરવી અને અસહમતીને દબાવવી તમામ પ્રકારની પ્રગતિ રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રગતિના પાયાને નષ્ટ કરી મૂકે છે. આથી અસહમતી લોકશાહીનો સેફ્ટી વાલ્વ છે. જસ્ટિસ ચંદ્રચૂડે એવું પણ કહ્યું કે, અસહમતીને ચૂપ કરવા અને લોકોના મનમાં ભય પેદા થવું વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન અને બંધારણીય મૂલ્યોના પ્રત્યે કટિબદ્ધતાને પણ વટાવી જાય છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ ચંદ્રચૂડ એ પીઠમાં સામેલ હતા જેણે ઉત્તરપ્રદેશમાં સીએએ વિરૂદ્ધ પ્રદર્શનો દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ પાસેથી વળતર વસૂલ કરવાના જિલ્લા તંત્ર દ્વારા કથિત પ્રદર્શનકારીઓને મોકલેલી નોટિસો પર જાન્યુઆરીમાં રાજ્ય પાસે જવાબ માગ્યો હતો. તેમણે શનિવારે પણ પોતાનો વિચાર પ્રગટ કર્યો હતો કે, અસહમતી પર પ્રહાર સંવાદ આધારિત લોકશાહી સમાજના મૂળ વિચાર પર હુમલો કરે છે અને આ રીતે કોઇ સરકારે એ ખાતરી કરવાની જરૂર છે કે, તે પોતાની મશીનરીને કાયદાના દાયરામાં બોલવા તથા અભિવ્યક્તિની આઝાદીના સંરક્ષણ માટે તૈનાત કરે તથા અભિવ્યક્તિની આઝાદી પર રોક લગાવવા અથવા ડરની ભાવના પેદા કરવાની કોઇપણ કોશિશને નિષ્ફળ બનાવે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, વિચાર-વિમર્શવાળા સંવાદનું રક્ષણ કરવાની કટિબદ્ધતા દરેક લોકશાહીનો ખાસ કરીને કોઇ સફળ લોકશાહીનો અનિવાર્ય અંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કારણ તથા ચર્ચાના આદર્શો સાથે સંકળાયેલ લોકશાહી એ નક્કી કરે છે કે, લઘુમતીઓના વિચારોનું ગળું દબાવી દેવાશે નહીં અને એ ખાતરી કરાશે કે, પ્રત્યેક પરિણામ માત્ર સંખ્યાબળનું પરિણામ નહીં હોય પરંતુ એક સર્વસંમત વિચાર હશે. જસ્ટિસ ચંદ્રચૂડે એમ પણ કહ્યું કે, લોકશાહની અસલી પરીક્ષા તેની સર્જનાત્મકતા અને શક્યતાઓની ખાતરી કરવાની તેની ક્ષમતા છે જ્યાં દરેક વ્યક્તિ કોઇ ભય વિના પોતાના વિચાર પ્રગટ કરી શકે છે. તેમણે કહ્યું કે, બંધારણમાં વિચારોની વિવિધતા પ્રત્યે કટિબદ્ધતા છે. સંવાદ કરવા માટે પ્રતબિદ્ધ એક સરકાર રાજકીય પ્રતિવાદ પર પાબંદી લગાવે નહીં પરંતુ તેનું સ્વાગત કરે. તેમણે પરસ્પર આદર અને વિવિધ વિચારોની શક્યતાના સંરક્ષણના મહત્વ પર ભાર મુક્યો હતો. ચંદ્રચૂડ અનુસાર વિવિધતાને સૌથી મોટો ખતરો વિચારોને દબાવવાથી અને વૈકલ્પિક અથવા વિપરિત વિચાર આપનારા ગમતા અથવા વણગમતા અવાજોને ચૂપ કરવાથી છે. તેમણે કહ્યું કે, વિચારોને દબાવવા એ રાષ્ટ્રના આત્માને દબાવવા સમાન છે. કોઇપણ વ્યક્તિ અથવા સંસ્થા ભારતના વિચાર પર એકાધિકાર કરવાનો દાવો કરી ના શકે. તેમણે કહ્યું કે, બંધારણ નિર્માતાઓએ હિંદુ ભારત કે મુસ્લિમ ભારતના વિચારને ફગાવી દીધો હતો. તેમણે માત્ર ભારત ગણરાજ્યને માન્યતા આપી હતી. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ ચંદ્રચૂડે આ પ્રકારની ટિપ્પણી પહેલા પણ કરી છે જ્યારે ૨૦૧૮માં ભીમા-કોરેગાંવ કેસમાં આરોપી સામાજિક કાર્યકરોની ધરપકડનો એક કેસ સામે આવ્યો હતો. ત્યારે તત્કાલિન સીજેઆઇ દીપક મિશ્રા, જસ્ટિસ ખાંવલિકર અને જસ્ટિસ ચંદ્રચૂડની ત્રણ જજોની બેંચે કહ્યું હતું કે, અસહમતી લોકશાહીનો સેફ્ટી વાલ્વ છે, જો તમે આ સેફ્ટી વાલ્વની પરવાનગી નહીં આપો તો તે ફાટી જશે.