(એજન્સી) નવી દિલ્હી,તા.૩
કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ સાથેની ખેંચતાણ હવે શાંત પડે તેવું લાગી રહ્યું છે. સરકારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની માગણી અને ભલામણ સ્વીકારીને જસ્ટિસ કે.એમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની મંજૂરી આપી દીધી છે તેવો દાવો આધારભૂત સૂત્રોએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકારે એક વખત જસ્ટિસ જોસેફનું નામ પાછું મોકલી દીધું હતું. જસ્ટિસ જોસેફનું નામ પાછું મોકલવા સહિતના કેન્દ્ર સરકારના કેટલાક નિર્ણયોથી સુપ્રીમ કોર સાથે વિવાદ શરૂ થયો હતો. ખાસ કરીને નિયુક્તિની બાબતમાં સુપ્રીમ અને કેન્દ્ર સરકાર આમને સામને આવી જતાં સ્થિતિ ઘણી તંગ બની ગઈ હતી.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.એમ. જોસેફને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં જવાબદારી આપવાની ભલામણ કરી હતી. જસ્ટિસ જોસેફ સાથે જ મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનીત શરણને પણ પ્રમોટ કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે રાષ્ટ્રપતિ કાર્યાલયથી નિયુક્તિના આદેશ જારી કરવામાં આવશે. આ તમામ જજોની નિયુક્તિ માટે જરૂરી એવા પ્રેસિડેન્શિયલ વોરંટની પ્રક્રિયાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે.
જજની નિયુક્તિના મુદ્દે છેલ્લાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કેન્દ્રની મોદી સરકારે કોલેજિયમની ભલામણોની ફાઈલ સ્વીકારવાને બદલે તે પુનર્વિચાર માટે પરત મોકલી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૧૦ જાન્યુઆરીએ જસ્ટિસ જોસેફનું નામ મોકલ્યું હતું.