(એજન્સી) નવી દિલ્હી, તા.૯
‘કિસ કિસ કો કેદ કરોગે’ મથાળા હેઠળ યોજાયેલ વિરોધ કાર્યક્રમમાં જસ્ટિસ કોલ્સેએ કાર્યકરોની ખોટી રીતે થતી ધરપકડો સામે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે, કટ્ટરવાદી સંગઠનોએ કેવી રીતે દેશના બંધારણનું અપહરણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આવા તત્ત્વોએ દેશની લોકશાહીને પણ બાનમાં લીધી છે. એટલું જ નહીં જે લોકો અધિકારો માટે લડે છે તેમના પર હુમલા કરવામાં આવે છે તેમણે જણાવ્યું હતું કે, દેશની વર્તમાન સ્થિતિ અઘોષિત કટોકટી જેવી છે.
રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરતાં પાટિલે જણાવ્યું હતું કે, હકીકતમાં ગુજરાત રમખાણોમાં સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેલના સળિયા પાછળ હોવા જોઈએ. જો કોઈની ધરપકડ થવી જોઈએ તો તે મોદી અને શાહ છે. તેમણે આ પ્રસંગે સત્ય અહેવાલો રજૂ કરનારા બહાદુર પત્રકાર રાણા ઐયુબને યાદ કર્યા હતા.
જસ્ટિસ કોલ્સેએ આરોપ લગાવ્યો હતો કે, જો તમે સાવરકર, ગોલવારકરને વાંચશો તો તેમને સમજાશે કે ઉચ્ચ જાતિના લોકો શાસક છે અને આપણે નીચી જાતિના લોકો તેમની પ્રજા છે. જસ્ટિસ પાટિલે જણાવ્યું હતું કે, મોદી શાસનમાં દેશમાં અઘોષિત કટોકટી લાગુ છે. જે કોઈ આ શાસન સામે અવાજ ઉઠાવે છે તેમને જેલ હવાલે કરી દેવામાં આવે છે. જે લોકો દેશની સ્વતંત્રતા ચળવળનો વિરોધ કરી રહ્યા હતા તે (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) હવે ચલાવી રહ્યા છે. જ્યાં સુધી આપણે એક નહીં થઈએ ત્યાં સુધી આવા તત્ત્વો સામે લડત ચલાવી શકીશું નહીં.