(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરૂણ મિશ્રાએ આંતર રાષ્ટ્રીય ન્યાયિક પરિષદ ૨૦૨૦ના ઉદ્‌ઘાટન પ્રસંગે પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવનાર દુરદર્શી અને બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ ગણાવ્યા છે. વડાપ્રધાન મોદી વિશે જસ્ટિસ મિશ્રાએ એવું પણ કહ્યું કે, પીએમ મોદી વૈશ્વિક સ્તરે વિચારે છે અને સ્થાનિક સ્તરે કામ કરે છે. ૧૫૦૦ અપ્રચલિત કાયદાઓ રદ કરવા બદલ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની પ્રશંસા કરતા જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું કે, ભારત મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સમુદાયનું એક જવાબદાર અને સૌથી મૈત્રીપૂર્ણ સભ્ય છે. સુપ્રીમ કોર્ટમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદ ૨૦૨૦- ‘ન્યાયતંત્ર અને બદલાતા વિશ્વ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં આભાર પ્રસ્તાવ કરતા જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરોએ ન્યાયતંત્ર દ્વારા સામનો કરવામાં આવતા પડકારો સમાન છે અને બદલાઇ રહેલા વિશ્વમાં ન્યાયતંત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. સંમેલનના ઉદ્‌ઘાટન માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠતામાં ત્રીજા સ્થાને રહેલા જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું કે, ગરિમાપૂર્ણ માનવ અસ્તિત્વ આપણી મુખ્ય ચિંતા છે. તેમણે એવું પણ કહ્યું કે, ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે અને લોકોને આશ્ચર્ય થાય છે કે, આ લોકતંત્ર આટલી સફળરીતે કેવી રીતે કામ કરે છે.