(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
અયોધ્યા કેસમાં ચીફ જસ્ટિસ રંજન ગોગાઇના નેતૃત્વવાળી પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી બંધારણીય બેંચે સુનાવણી શરૂ કરતાની સાથે જ એક મુસ્લિમ પક્ષકાર તરફથી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવનને બંધારણીય બેંચમાં સામેલ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ઉપસ્થિતિ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજીવ ધવને એવી રજૂઆત કરી હતી કે જસ્ટિસ યુયુ લલિત ૧૯૯૪માં અયોધ્યા કેસ સાથે સંબંધિત અનાદરના એક મામલામાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહના વકીલ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જોકે, રાજીવ ધવને કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો પરંતુ આવી સ્થિતિમાં બેંચમાં ચાલુ રહેવું કે સુનાવણીથી અલગ થઇ જવું જોઇએ, તેના વિશે નિર્ણય લેવાનું જસ્ટિસ લલિત પર છોડ્યું હતું. ત્યાર પછી જસ્ટિસ લલિતે કેસની સુનાવણીમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી અને તેના પરિણામસ્વરૂપે ચીફ જસ્ટિસ ગોગોઇને નવી બેંચની જાહેરાત કરવા માટે ગુરૂવારની સુનાવણી ૨૯મી જાન્યુઆરી સુધી મોકૂફ રાખવી પડી હતી. હવે અયોધ્યા કેસની સુનાવણી માટે નવી બેંચની રચના થશે અને જસ્ટિસ લલિતના સ્થાને અન્ય કોઇ જજને બેંચમાં સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે અયોધ્યાના કેસ સાથે સંબંધિત અન્ય એક કેસમાં કલ્યાણસિંહને એક દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો અને ૨૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
વરિષ્ઠ વકીલ રાજીવ ધવને જસ્ટિસ લલિતને પાંચ જજીસની બંધારણીય બેંચમાં સામેલ કરવા અંગે પ્રશ્ન ઉઠાવ્યા બાદ બેંચમાં સામેલ બધા પાંચે જજીસે પરસ્પર મંત્રણા કરી હતી અને મંત્રણા પછી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું કે જસ્ટિસ યુયુ લલિતે પોતાને આ કેસની સુનાવણીથી અલગ કરી લીધા છે. ચીફ જસ્ટિસે પણ માન્યું હતું કે બધા જજીસનો અભિપ્રાય છે કે જસ્ટિસ લલિતનું આ મામલાની સુનાવણીનો હિસ્સો બનવાનું યોગ્ય નથી. આ કેસની સુનાવણી શરૂ થતાની સાથે જ ચીફ જસ્ટિસે એવી સ્પષ્ટતા કરી હતી કે આજે આ મામલાની સુનાવણી થશે નહીં પરંતુ મામલાની સુનાવણી માટે સમયમર્યાદા નક્કી કરાશે. જ્યારે રામ લલા માટે ઉપસ્થિત થયેલા હરિશ સાલ્વેએ જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે રાજીવ ધવનનું સમર્થન કરે છે. અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે યથાવત સ્થિતિ જાળવી રાખવામાં તે વખતના મુખ્યપ્રધાન કલ્યાણસિંહ નિષ્ફળ નીવડ્યા હતા, તેથી એક રિટ અરજીમાં આપવામાં આવેલા આદેશોનો ભંગ કરવા બદલ કોર્ટના આદેશનો અનાદર થયો હતો. આ દિવાની દાવાઓ છે. આ કોઇ સમસ્યા હોવાનું મને નથી લાગતું. ત્યારે ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે કોઇને સમસ્યા હોવાનો આ પ્રશ્ન નથી. મુદ્દો એ છે કે આ બાબત અમારી સમક્ષ ઉઠાવવામાં આવી છે. તેથી જસ્ટિસ લલિતનું એવું મંતવ્ય છે કે બેંચમાં સામેલ રહેવાનું યોગ્ય હશે નહીં.
આ કેસમાં મુસ્લિમ પક્ષના કુલ પાંચ વકીલ છે. તેમનામાં રાજીવ ધવન, રાજુ રામચંદ્રન, દુષ્યંત દવે, શેખર નફાડે અને મીનાક્ષી અરોડા સામેલ છે. જ્યારે હિન્દુ પક્ષ તરફથી સોલિસીટર જનલર તુષાર મહેતા, હરીશ સાલ્વે, સીએસ વૈદ્યનાથન અને પીએસ નરસિમ્હા કેસ લડી રહ્યા છે. બંધારણીય બેંચના પાંચ જસ્ટિસમાં સીજેઆઇ રંજન ગોગોઇ ઉપરાંત જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ યુયુ લલિત હતા પરંતુ હવે જસ્ટિસ લલિતના સ્થાને અન્ય કોઇ જજને બેંચમાં સામેલ કરવામાં આવશે.
દરમિયાન, ચીફ જસ્ટિસ ગોગોઇ કોર્ટ ઓર્ડર લખવા લાગ્યા ત્યારે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને કોર્ટને અનુરોધ કર્યો, ‘મી લોર્ડ કોર્ટ ઓર્ડરથી મારૂં નામ અલગ રાખવામાં આવે, તેમાં લખવામાં ન આવે.’ ધવનની અરજ પર ચીફ જસ્ટિસે કહ્યું ‘અમારે એમ શા માટે કરવું જોઇએ ? આખરે દેશના નામાંકિત લોકોમાં તમારૂં મોટું નામ છે.’ત્યારે ધવને કહ્યું કે હુઝુર અત્યારે પણ મને આરકે ધવન (દિવંગત કોંગ્રેસી નેતા)ના પત્ર મળે છે.

બંધારણીય બેંચે શું ચકાસવાનું છે ?

અયોધ્યા કેસની સુનાવણી કરનાર પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચ આગામી ૨૯મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરશે. બેંચે આ મામલા સાથે સંબંધિત કુલ ૧૨૦ મામલા, ૮૮ સાક્ષીઓ, ૧૩૮૮૬ પાનાના પુરાવા, અન્ય ૨૫૭ દસ્તાવેજ સહિત અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સાથે સંબંધિત ૪૩૦૩ પ્રિન્ટેડ પેજ અને ૮,૫૩૩ ટાઇપ કરેલા પેજ જોવાના છે. આ મામલા સાથે સંબંધિત વાસ્તવિક દસ્તાવેજ ૧૫ મોટા બોક્સમાં લોક રૂમમાં રાખવામાં આવેલા છે. એ ઉપરાંત બંને પક્ષોની રજૂઆત કરનારા વકીલોની દલીલો પણ સાંભળવાની છે. કેટલાક દસ્તાવેજો હિન્દી, અરબી, ગુરૂમુખી અને ઉર્દૂમાં છે.

જસ્ટિસ યુયુ લલિત સુનાવણીથી કેમ અલગ થઇ ગયા ?

યુયુ લલિત ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતશાહના પણ વકીલ રહ્યા હતા
સુપ્રીમકોર્ટમાં જજ બનતા પહેલા યુુયુ લલિત વકીલાત કરતા હતા. કલ્યાણસિંહના કેસ ઉપરાંત તેઓ ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન અને તુસલી પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતશાહના પણ વકીલ રહ્યા હતા. ઓગસ્ટ ૨૦૧૪માં તેઓ સુપ્રીમકોર્ટના જજ બન્યા. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી પેનલે તેમના નામની ભલામણ કરી હતી. મીડિયાના અહેવાલો મુજબ ટુ-જી કૌભાંડમાં પણ પ્રોસીક્યુટર રહી ચુક્યા છે. લલિત મહારાષ્ટ્રના છે અને તેમણે ૧૯૮૩માં વકીલાત શરૂ કરી હતી. ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીની સાથે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી લલિતે કામ કર્યું હતું. તેમણે બધા ફોજદારી કેસ લડ્યા છે. મની લોન્ડરિંગના આરોપી હસન અલી ખાન સામે પણ તેઓ કેસ લડ્યા હતા.

નવી અને લાર્જર બેંચ બનાવવાના પગલાનું કેસના બધા પક્ષકારોએ સ્વાગત કર્યું

અયોધ્યા વિવાદ કેસના બધા પક્ષકારોએ આ કેસની સુનાવણી કરવા માટે નવી અને લાર્જર બેંચ બનાવવાનું સ્વાગત કર્યું છે. આ કેસમાં મુસ્લિમ પક્ષકારોના એક વકીલ એજાઝ મકબૂલે જણાવ્યું કે કોઇ પણ કેસ લાર્જર બેંચને રીફર કરવાનો ચીફ જસ્ટિસ પાસે સંપૂર્ણ અધિકાર છે. તેમણે એવું પણ કહ્યું કે અગાઉ અમે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ તેમણે અમારી માગણી ફગાવી દીધી હતી. જ્યારે આ કેસના અન્ય એક પક્ષકાર હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે સુપ્રીમકોર્ટ દ્વારા અગાઉ, આ કેસ લાર્જર બેંચને રીફર કરવાની માગણી ફગાવી દેવામાં આવી હોવા છતાં મહત્વના કેસોમાં બેંચની રચના કરવાનો ચીફ જસ્ટિસ પાસે સંપૂર્ણ અધિકાર છે. કેસના મહત્વને ધ્યાનમાં રાખીને લાર્જર બેંચની રચના કરવાના ચીફ જસ્ટિસના પગલાનું બંધારણીય નિષ્ણાત અને વરિષ્ઠ વકીલ ચંદ્ર ઉદયસિંહે પણ સ્વાગત કર્યું છે. આ પગલું ભરીને ચીફ જસ્ટિસે યોગ્ય કર્યું છે.