(એજન્સી) ટોરેન્ટો, તા.૧૮
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ઈઝરાયેલી શાર્પ શૂટર (સ્નાઈપર) દ્વારા કેનેડાઈ પેલેસ્ટીની ડૉક્ટર પર ગોળીબાર થયો હોવાની ઘટનાની નિંદા કરતાં નાગરિકોની વિરૂદ્ધ દારૂ ગોળાના ઉપયોગ અંગે સ્વતંત્ર તપાસની માગણી કરી છે. તેમણે બુધવારે વધારાના બળના ઉપયોગ અંગે નિવેદન આપ્યું. ટ્રુડોએ ટીકા કરતાં કહ્યું કે, “અમે ચિંતાતુર છીએ કે એક કેનેડાઈ નાગરિક ડૉ.તારેક લોબાની ઘાયલ લોકોમાંથી એક છે. કેનેડા આ અંગે સંપૂર્ણપણે તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે સ્વતંત્ર તપાસની માગણી કરે છે. જેમાં ઉત્તેજના, હિંસા અને બળનો અતિશય ઉપયોગ સામેલ છે. સોમવારે ગાઝા સરહદ પર એક ઈઝરાયેલી શાર્પશૂટર દ્વારા ડૉ.લોબાનીને બન્ને પગમાં ગોળી મારવામાં આવી હતી અને પેલેસ્ટીની પ્રદર્શનકારીઓ અને ઈઝરાયેલી સુરક્ષા દળોની વચ્ચે સંઘર્ષ થતાં ઓછામાં ઓછા ૬૦ લોકોનાં મોત નીપજ્યા હતા અને ર૭૦૦થી વધુ પેલેસ્ટીનીઓ ઘાયલ થયા હતા.
ઈઝરાયેલે ગાઝા સરહદની સાથે બે બ્રિગેડ અને ઓછામાં ઓછા ૧૦૦ સ્નિપર્સને તૈનાત કર્યા હતા કારણ કે હજારો પેલેસ્ટીનીઓએ જેરૂસલેમમાં અમેરિકી દૂતાવાસના ઉદ્‌ઘાટનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે અને સંયુકતરાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગ્યુટેરેસે ઈઝરાયેલી દળો દ્વારા ઉપયોગ કરવામાં આવતા ગોળીબારના પ્રમાણ વિશે ચિંતા વ્યકત કરતાં સ્વતંત્ર તપાસ માટે પણ કહ્યું છે.
સંયુકત રાજ્ય અમેરિકાએ મંગળવારે સંયુકતરાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્વતંત્ર તપાસની માંગને નકારી કાઢી. અમેરિકાએ ઈસ્લામવાદી સમૂહ હમાસ છ પેલેસ્ટીનીઓની મોતનોઆરોપ મૂક્યો, જેણે વિરોધ પ્રદર્શનને પ્રોત્સાહિત કર્યું હતું.
ઓટાવામાં ઈઝરાયેલી દૂતાવાસે કહ્યું કે, ટ્રુડોના નિવેદનને વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના કાર્યાલયમાં મોકલવામાં આવ્યું છે. જસ્ટિન ટ્રુડોએ એ નથી કહ્યું કે, ઈઝરાયેલની આ કાર્યવાહીની તપાસ કોણે કરવી જોઈએ. પરંતુ તેમણે એવું કહ્યું છે કે, કેનેડા આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી જશે.